યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કાયમ માટે છેલ્લી ઘડીએ પોતાનો નિર્ણય મુલતવી રાખવા માટે જાણીતા છે, પરંતુ ભારત પર રશિયા પાસેથી ક્રુડની ખરીદી બદલ લાદવામાં આવેલી વધારાની 25 ટકા ટેરિફના નિર્ણયમાં આવી આશા ઠગારી નીવડી તેને પગલે આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો અને મુખ્ય સુચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બન્ને એક ટકાથી વધુ ઘટીને બંધ રહ્યા હતા.
એક માત્ર એફએમસીજી ક્ષેત્રને બાદ કરતાં તમામ ક્ષેત્રોમાં મંદીનો માહોલ હતો. નિકાસ માટે યુએસ પર મોટી નિર્ભરતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફિશરીઝ વગેરેમાં તો ભારે વેચવાલી હતી અને લેવાલી કરનાર કોઇ ન હતું. ટ્રમ્પની ટેરિફના ટેરર ઉપરાંત રૂપિયામાં નરમાશ, એફઆઇઆઇની સતત વેચવાલી, વૈશ્વિક બજારોમાં મંદી વગેરેએ જીએસટીમાં રાહત આપવાની સરકારની જાહેરાતની સારી અસર પર પાણી ફેરવી દીધું હતું અને બળતામાં ઘી હોમ્યું હતું.
આજે પ્રારંભે જ સેન્સેક્સ 258 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને તે પછી આ સુચકાંકમાં એકધારી મંદીની ચાલ જળવાઇ હતી, જે લગભગ 2 વાગ્યા પછી વધુ તીવ્ર બની હતી. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 81,450ની હાઇ અને 80,685ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 765ની વધઘટને અંતે સેન્સેક્સ 849 પોઇન્ટ એટલે કે 1.04 ટકા ઘટીને 81,000નું સ્તર ગુમાવી 80,786ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 68 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,919ની હાઇ અને 24,689 ની લો સપાટી બનાવી હતી અને કુલ 230 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 255 પોઇન્ટ એટલે કે 1.02 ટકા ઘટીને 24,712ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ બન્ને મુખ્ય સુચકાંકો દિવસ દરમિયાન એક પણ વાર પાછલા બંધથી ઉપર ટ્રેડ થયા ન હતા.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,241 શેર પૈકી 1,220 જ વધ્યા હતા, જ્યારે 2,891 ઘટીને અને 130 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ.449.45 લાખ કરોડ એટલે કે 5.12 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 455.02 લાખ કરોડથી રૂ. 5.57 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી માત્ર પાંચ અને નિફ્ટીના 50 પૈકી માત્ર આઠ જ શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી એચયુએલમાં 2.38 ટકાનો, મારૂતિમાં 1.85 ટકાનો, આઇટીસીમાં 0.93 ટકાનો, ટીસીએસમાં 0.49 ટકાનો અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટમાં 0.19 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે સન ફાર્મા 3.40 ટકા, ટાટા સ્ટીલ 2.88 ટકા, બજાજ ફાઇનાન્સ 2.67 ટકા, ટ્રેન્ટ 2.45 ટકા, એમ એન્ડ એમ 2.02 ટકા અને બજાજ ફિનસર્વ 2 ટકા ઘટયો હતો. નિફ્ટીના શેરો પૈકી આઇશર મોટર્સ 2.68 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.54 ટકા અને એટર્નલ 0.47 ટકા વધ્યો હતો, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ 4.03 ટકા, કોલ ઇન્ડિયા 2.07 ટકા, રિલાયન્સ 2.04 ટકા અને અદાણી પોર્ટ્સ 2.01 ટકા ઘટીને બંધ રહ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 3.69 ટકા વધીને ફરી 12 ઉપર જઇ 12.19 ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પરના મુખ્ય 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી એક માત્ર નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ વ્યાપક મંદી વચ્ચે પણ 0.91 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે બાકીના તમામમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી રિઆલ્ટી 2.24 ટકા, પીએસયુ બેંક 1.87 ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ 1.77 ટકા અને ફાર્મા 1.67 ટકા ઘટીને બંધ રહ્યો હતો.