યુએસની અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે તાજેતરમાં લે ઓફના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે અને આ તબક્કા હેઠળ સેલ્સ ડિવિઝનના હજારો કર્મચારીઓને છુટા કરવામાં આવે એવી શક્યતા છે. આ લે ઓફની જાહેરાત જુલાઇના પ્રારંભે કરવામાં આવશે અને કંપની એઆઇમાં જંગી રોકાણ કરી રહી છે ત્યારે સાથે સાથે કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડી રહી છે. જોકે હકીકત એ છે કે મોટા પાયે લે ઓફની જાહેરાત કરનારી માઇક્રોસોફ્ટ એક માત્ર યુએસ ટેક કંપની નથી. 2025નું વર્ષ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં યુએસની સંખ્યાબંધ ટેક કંપનીઓ લે ઓફની જાહેરાત કરી ચુકી છે અથવા તો આવી જાહેરાત કરવાની તૈયારીમાં છે.
ઇન્ટેલે તાજેતરમાં જણાવ્યું છે કે તે જુલાઇના પ્રારંભથી ઇન્ટેલ ફાઉન્ડ્રી ડિવિઝનના કર્મીઓની સંખ્યામાં 15થી 20 ટકાનો ઘટાડો કરવા વિચારણા કરી રહી છે. પાછલા મહિને અન્ય કંપની ક્રાઉડસ્ટ્રાઇકે પણ કર્મીઓની સંખ્યામાં 5 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. એમેઝોનના સીઇઓએ એ પણ એઆઇના ઉપયોગમાં થઇ રહેલા વધારાનો સંકેત આપતા એવું નિવેદન આપ્યું હતું કે આગામી વર્ષમાં કંપની તેના કર્મીઓની સંખ્યામાં ઘટાડો કરશે.
તાજેતરમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ ટેકનોલોજી ઉપરાંત મિડિયા, ફાયનાન્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને એનર્જી ક્ષેત્રની કંપનીઓએ વર્ષ 2025માં મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. કંપની બદલાય તેમ આવી છટણી માટેનું કારણ અલગ અલગ હોય છે, પંરતુ ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે આવી રીતે છટણી કરનારી કંપનીઓ એઆઇના ઉપયોગ માટે મોટું રોકાણ કરી રહી છે.
કર્મીઓની છટણી કરનારી યુએસની અગ્રણી કંપનીઓ
ઇન્ટેલ : ફાઉન્ડ્રી ડિવિઝનમાં 15થી 20 ટકા કર્મીઓની છટણી કરશે, જે સેમિકન્ડક્ટર ક્ષેત્રનો સૌથી મોટો લે ઓફ હશે અને આશરે 10,000 કર્મીઓ છુટા કરવામાં આવશે
ક્રાઉડસ્ટ્રાઇક : સાયબર સિક્યુરીટ ક્ષેત્રની આ અગ્રણી કંપની એઆઇની અસરકારકતાને ધ્યાનમાં રાખીને 5 ટકા એટલે કે 500 કર્મચારીઓને છુટા કરવાની છે
એમેઝોન : આ અગ્રણી ઇ-કોમર્સ કંપનીએ આગામી વર્ષોમાં કર્મીઓની સંખ્યા ઘટાડવામાં આવશે એવી જાહેરાત કરી છે પરંતુ કેટલા કર્મીઓને છુટા કરશે તેનો આંકડો જાહેર કર્યો નથી.
બ્લોક : ફિનટેક ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ આશરે 1,000 કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી છે
મેટા : આ કંપનીએ ફેબ્રુઆરીથી જ કર્મીઓને છુટા કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે કેટલા કર્મીઓ છુટા કરાયા તેનો આંકડો જાહેર કરાયો નથી. અગાઉ 2022માં આ કંપનીએ 21,000થી વધુ કર્મીઓને છુટા કર્યા હતા
માઇક્રોસોફ્ટ : આ કંપનીએ પણ જાન્યુઆરીમાં સંખ્યાબંધ કર્મીઓને છુટા કર્યા હતા. જોકે કંપનીએ તેનો આંકડો જાહેર કર્યો ન હતો. જુલાઇમાં પણ તે વધુ કર્મીઓને છુટા કરવાની છે
વોલમાર્ટ : માધ્યમોમાં પ્રકાશિત અહેવાલો મુજબ વોલમાર્ટ આગામી સમયગાળામાં આશરે 1,500 જેટલા કર્મીઓને છુટા કરવાની છે. 16 લાખ કર્મીઓ સાથે આ કંપની યુએસમાં સૌથી વધુ કર્મીઓ ધરાવતી કંપની છે.