* આઇઆઇએફએલના ડાયરેક્ટરના પદનો લાભ ઉઠાવી સંજીવ ભસીને ભોળા રોકાણકારોને લૂંટાય એટલા લૂંટયા
* પત્નીના નામે નોંધાવેલા મોબાઇલ ફોનનો ઉપયોગ માત્રને માત્ર પોતાના ખાતામાં ટ્રેડિંગની સૂચના આપવા માટે થતો
* આ નંબર પરથી બજારના કામકાજ દરમિયાન એટલે કે સવારના 8.30 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હજારો કોલ કરવામાં આવતા
સેબીએ એક વચગાળાના આદેશમાં આઇઆઇએફએલના ડાયરેક્ટર સંજીવ ભસીન અને અન્ય 11 વ્યક્તિઓ પર ગેરરીતિપૂર્વક ટ્રેડિંગ કરવા બદલ શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આ લોકોએ ગેરકાયદેસર રીતે એકત્ર કરેલ રૂ.11.3 કરોડનો નફો જમા કરાવવા આદેશ પણ કર્યો છે. જોકે ભસીને ભોળા રોકાણકારોને ગેરમાર્ગે દોરી ધીકતી કમાણી કરવા જે મોડસ ઓપરેન્ડી અપનાવી હતી તે ચોંકવનારી છે એવી માહિતી સેબીએ હાથ ધરેલી તપાસ દરમિયાન પ્રકાશમાં આવી છે.
સેબીના 149 પેજના આ આદેશમાં આપવામાં આવેલી વિગતો મુજબ આઇઆઇએફએસ સિક્યુરીટીઝના ડાયરેક્ટર રહ્યા હોવાના કારણે ભસીન એક ખૂબ જ જાણીતા મિડિયા ગેસ્ટ એક્સપર્ટ હતા. સોશિયલ મિડિયા પર તેમના લાખો ફોલોઅર્સ હતા અને તેઓ ટેલિવિઝન ચેનલ ઉપરાંત ટેલિગ્રામ એપ અને આઇઆઇએફએલના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ ટીપ્સ આપતા હતા. ટેલિવિઝન ચેનલ પર તેમનો ઇન્ટરવ્યુ ચાલતો હોય ત્યારે તેઓ મોટા ભાગે વિવિધ શેર ખરીદવા માટે ભલામણ કરતાં હતા. આ પ્રકારે ટિપ્સ આપવામાં આવે તેની ગણતરીની મિનિટોમાં જ તેઓ તેમના ડીલર આરઆરબી માસ્ટર સિક્યોરિટીઝ દિલ્હી લિમિટેડના માધ્યમથી તેઓ જ્યાં ખાતા ધરાવતા હતા તે વિનસ, જેમિની અને એચબીના એકાઉન્ટ્સમાંથી જેની ટીપ્સ આપવામાં આવી હોય તે શેરોનું મોટા પાયે વેચાણ કરતાં હતા. આનો અર્થ એ થાય કે ભસીન પર રિટેલ ઇન્વેસ્ટર્સ વિશ્વાસ કરતાં હોવાથી તેઓ ટીપ્સ આપે કે તરત જ રિટેલ ઇન્વેસ્ટર્સ આ શેરોમાં ખરીદી કરતાં હતા અને તેના કારણે ભાવ ઊંચો જતો હતો. ભાવ ઊંચો જાય કે તરત જ ભસીન તેમના ખાતામાંથી આ શેરોનું વેચાણ કરતા હતા. આવી રીતે તેઓ જંગી નફો કરતાં હતા. પહેલા આઇઆઇએફએલના ડાયરેક્ટર અને તે પછી કન્સલ્ટન્ટ હોવા છતાં ભસીન વિનસ પોર્ટફોલિયો પ્રાઇવેટ લિમિટેડ, જેમિની પોર્ટફોલિયો પ્રાઇવેટ લિમિટેડ અને એચબી સ્ટોક્સ હોલ્ડિંગ્સમાં તેમનું ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા હતા. સેબીની તપાસ મુજબ ભસીન તેમના મોબાઇલ દ્રારા તેમના ડિલર્સ સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને ટ્રેડ અંગેની સુચના આપતા હતા. ભસીન કુલ ત્રણ મોબાઇલ નંબરનો ઉપયોગ કરતાં હતા જે પૈકી એક નંબર તેમની પત્નીના નામે રજિસ્ટર્ડ છે. પત્નીના નામે રજિસ્ટર્ડ થયેલા આ મોબાઇલ નંબરનો ઉપયોગ માત્ર અને માત્ર શેરના સોદા કરવા માટે કરવામાં આવતો હતો અને બજારનું કામકાજ ચાલુ હોય તે દરમિયાન એટલે કે સવારે 8.30 થી 4 વાગ્યાના સમયગાળામાં આ નંબરથી પરથી ડીલર આરઆરબી માસ્ટરને સેંકડો કોલ કરવામાં આવતા હતા. આ મોબાઇલ નંબર પરથી ડિલરને હજારો કોલ કરવામાં આવ્યા હતા,
ઉલ્લેખનીય છે કે 2023માં ભસીન દ્રારા ગેરરીતિપૂર્વક શેરના ભાવમાં વધઘટ કરવામાં આવે છે એવી ત્રણ ફરિયાદ મળી તે પછી સેબીએ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જાન્યુઆરી, 2020થી જુન, 2024નો સમયગાળા દરમિયાન ભસીન દ્રારા કરવામાં આવેલા ટ્રેડિંગને આવરી લેવામાં આવ્યું હતું. જુન,2024માં ભસીનના વિવિધ સ્થળોએ સર્ચ અને સિઝર ઓપરેશન પણ હાથ ધર્યું હતુ. સેબીએ આદેશમાં જણાવ્યા અનુસાર ભસીને પ્રોહિબિશન ઓફ ફ્રોડયુલન્ટ એન્ડ અનફેર પ્રેક્ટિસીસ નોર્મ્સ અને રિસર્ચ એનાલિસ્ટ રુલ્સનો ભંગ કર્યો છે. સેબીએ તપાસ અંતર્ગત જેમને નોટિસ આપી છે તેમાં ભસીન જ્યાં એકાઉન્ટ ધરાવતા હતા તે આરઆરબી, વિનસ, જેમિની અને એચબી પણ સમાવિષ્ટ છે અને આરઆરબી પર તો બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ભસીન પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષપણે મળેલી માહિતીના આધારે અન્ય કેટલીક બ્રોકરેજ કંપનીઓ દ્રારા ટ્રેડિંગ થયું હોવાનું ધ્યાન પર આવ્યું છે. આથી આવી કંપનીઓ પર પણ તેમના ખુદના ખાતા દ્રારા અથવા તો તેઓ જેનું સંચાલન કરતાં હોય એવા ખાતામાંથી ટ્રેડ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સંજીવ ભસીન આઇઆઇએફલમાં 2015થી વિવિધ હોદ્દા પર કામ કરતાં હતા. 1 એપ્રિલ, 2017થી 30 નવેમ્બર, 2022 સુધી તેઓ આ કંપનીના ડાયરેક્ટર હતા. તે પછી 1 ડિસેમ્બર, 2022થી કંપનીએ તેમને કન્સલ્ટન્ટ તરીકે નિમ્યા હતા, જે સેવાનો 17 જુન, 2024ના રોજ અંત આવ્યો હતો.
