તમે કોઈપણ બિઝનેસ કે ફિલ્ડમાં હોવ પણ નાહકની ચર્ચા કે દલીલોમાં પડયા વિના ચૂપચાપ મહેનત કરતાં જાવ અને તમારી કોઠાસૂઝને કામે લગડી તમારા કામ અને સફળતાથી તમારી જાતને પુરવાર કરી બતાવો, એટલે કે, બિઝનેસ હોય કે કોઈ ફિલ્ડ દરેક ઠેકાણે તમારૂં કામ જ બોલે છે, આ જ વાતને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પુરવાર કરી બતાવી છે. કેમ કે, આ એ જ મહિલા ક્રિકેટ ટીમ છે, જેને એક સમયે પૂરતાં બેટના પણ ફાંફાં હતા. એટલે કે હાલના ક્રિકેટરો પાસે મેચ રમવા પાંચથી છ અંગત બેટ ઉપલબ્ધ હોય છે
ત્યારે આપણી મહિલા ક્રિકેટ ટીમના બેટરો એક જ બેટથી વારાફરતી રમતા હતા. વળી વિદેશમાં કોઈ ટુર પર જાય તો બજેટ પણ એટલું ન હતું હોતું કે, સારી હોટલમાં તેમના રહેઠાણની વ્યવસ્થા કરી શકાય, મહિલા ક્રિકેટ ટીમને એનઆરઆઈના ઘરોમાં રાખવામાં આવતી હતી. ભારતમાં તેઓ ટ્રેઇનમાં સફર કરતાં હતા. જોકે હવે ભારતીય મહિલા ક્રિકેટરોએ વિશ્વકપ જીતી બતાવી પોતાની જાતને પુરવાર કરતા એવું પરિવર્તન આવ્યું છે કે આ મહાન મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યૂ રૂ.બે કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રાન્ડ વેલ્યૂ મામલે હવે મહિલા ક્રિકેટરો પણ ધીમે ધીમે પુરૂષ ક્રિકેટરોની નજીક પહોંચી રહી છે. રવિવારે વિશ્વકપ જીત્યા બાદ હરમન પ્રીત કૌર અને તેના સાથીઓએ જમીન પર વિજેતા ટ્રોફી મૂકી હાથ પછાડી *સાઢા હક્ક, ઈથ્થે રખ*, એવું જોશથી ગાયું હતું, જેનો અર્થ એ થાય છે કે, આ મારો અધિકાર છે અને તેને અહીં રાખો, હવે જે રીતે ભારતીય મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યૂ વધી રહી છે, એ જોતાં એવું લાગે છે કે, આ ક્રિકેટરો કોર્પોરેટ જગતને પણ આવું જ કહી રહી છે. *ચક દે ઈન્ડિયા* ફિલ્મની વાર્તા જીવંત થઈ ઉઠી હતી જ્યારે રવિવાર બીજી નવેમ્બરના રોજ ભારતની મહિલા ક્રિકેટ ટીમે પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. સમગ્ર રાષ્ટ્રએ ગૌરવભેર આ વિજ્યની રંગેચંગે ઉજવણી કરી હતી. ત્યારે અહીં એ વાત કરવી જરૂરી બની જાય છે કે, બીસીસીઆઈએ સત્તા સંભાળી તે પહેલાંનો સમયે આ મહિલા ટીમને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કપરા ચઢાણો ચઢવા પડયા હતા.
2003માં વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં કાકલૂદી કરીને સ્પોન્સર મેળવ્યો હતો
વર્ષ 2000ની શરૂઆતમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી હતી, તે સમય એવો હતો જ્યારે ટીમને સ્પોન્સર મળવાના પણ ફાંફાં હતા, ત્યારે યુવા સ્પોર્ટસ પ્રેઝન્ટેટર અને અભિનેત્રી મંદીરા બેદી આગળ આવી હતી, ક્રિકેટ પ્રત્યેના પોતાના જુસ્સા અને કપરા સમયમાં મહિલા ક્રિકેટને મદદ કરી આ રમતને જીવંત રાખવામાં મંદીરા બેદીએ સિંહફાળો આપ્યો હતો, મંદીરા બેદી સ્પોર્ટસ બ્રોડકાસ્ટિંગ વિશ્વમાં પ્રથમ મહિલા એન્કર હોવા ઉપરાંત મહિલા ટીમ માટે ફંડની વ્યવસ્થા કરવા અર્થે પણ યાદ રખાશે, વર્ષ 2003થી 2005ની વચ્ચે જ્યારે મંદિરા બેદી જ્વેલરી બ્રાન્ડની એમ્બેસેડર હતી ત્યારે બેદીએ આ બ્રાન્ડને મનાવી હતી કે, તે ફેબ્રુઆરી 2004માં યોજાયેલી વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં સ્પોન્સર કરે, એટલું જ નહીં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મદદરૂપ થવા મંદીરા બેદીએ પોતાની ફી પણ જતી કરી હતી, આ રૂપિયાથી વુમન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યૂસીએઆઈ)એ ઈંગ્લેન્ડ ટુર માટે એર ટિકિટની વ્યવસ્થા કરી હતી, પૂર્વ ખેલાડી અને ડબ્લ્યૂસીએઆઈના સચિવ સુભાંગી કુલકર્ણીએ જણાવ્યું હતું કે, આ સ્પોન્સરશીપથી સારા ટ્રેનિંગ કેમ્પ અને મહિલા ટીમ માટે મેદાનમાં સુધારો કરવામાં મદદ મળી હતી, મંદીરા બેદીની સહાયથી જ કોર્પોરેટ હિતમાં વધારો થયો હતો, એક સમયે ટીમ પાસે સ્પોન્સર ન હતા અને આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ખેલાડીઓ ઘર-ઘરમાં જાણીતા નામ બની ગયા છે, જે લોકોને પ્રેરણા આપે છે, જો કે તેમની સફળતા પાછળ સખત મહેનત અને મંદીરા બેદી જેવા લોકોના વિઝનનો સમાવેશ થાય છે, જેમણે મહિલા ક્રિકેટ ટીમને સૌથી વધુ જરૂર હતી તેવા સમયમાં મદદ કરી હતી
ટ્રેનના સામાન્ય ડબ્બામાં યાત્રા, વિદેશ પ્રવાસ વખતે NRIના ઘરે રહેવું પડતું
પુરુષ ક્રિકેટરો જેટલા સમાન પગારની ચર્ચાઓ પહેલાં, વાદળી રંગની ટી-શર્ટધારી મહિલાઓએ અનેક સમસ્યાઓ વેઠી છે. બજેટની અછત, નબળી સુવિધાઓ સામે મક્કમતાથી લડત જારી રાખી આજે આ મહિલા ક્રિકેટરોને જાહેરાતમાં લેવા વિજ્ઞાપનદાતાઓએ કતાર લગાવી છે. શરૂઆતના વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટરો ઘણીવાર વિદેશી પ્રવાસ દરમિયાન એનઆરઆઈ પરિવારોના ઘરે રહેતી હતી, કેમ કે, તેમને હોટલમાં પડાવ આપી શકાય તેટલું બજેટ ન હતું. મહિલા ખેલાડીઓ ટ્રેનના સામાન્ય ડબ્બામાં મુસાફરી કરતી હતી, બેટ પણ શેર કરતી હતી, અને તેમને કોઈ મેચ ફી પણ મળતી ન હતી, છતાં તેઓ રમતના પ્રેમ અને પુરૂષ ટીમ સાથે ખભે ખભો મિલાવીને એક દિવસ ઊભા રહેવાના સ્વપન માટે રમતી હતી. 2000ના દાયકાની શરૂઆતમાં ટીમને સ્પોન્સર મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડયો હતો, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.જોકે ઓસ્ટ્રેલિયા સામે સેમી ફાઇનલમાં ભારતીય ટીમ જીતી તે પછી ફાઇનલના એડના રેટમાં 40 ટકાનો વધારો થયો હતો.
વિશ્વ વિજેતા મહિલા ક્રિકેટ ટીમ માટે બ્રાન્ડની નવી ઈનિંગ્સ
સ્પોર્ટસ માર્કેટિંગ સાથે જોડાયેલા પદાધિકારીએ જણાવ્યું હતું કે, શર્મા, વર્મા અને જેમિમાહ જેવા ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યૂમાં 20થી 30 ટકાનો વધારો થઈ શકે છે, જેણે અણનમ 127 રન ફટકારી ચાર વખત વિશ્વકપ જીતનાર ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને સેમીફાઈનલમાં હરાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
વિશ્વકપમાં વિજય પછી મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યૂમાં 30 ટકાનો વધારો
મહિલા ક્રકેટરના નામ ફી (રૂ.માં) : હરમનપ્રીત કૌર - 1.2 કરોડ, સ્મૃતિ મંધાના - 2 કરોડ, જેમિમા રોડ્રિંગ્સ - 25-50 લાખ, શૈફાલી વર્મા - 25-30 લાખ.
પુરૂષ ક્રિકેટર : વિરાટ કોહલી - 10-11 કરોડ, સચિન તેન્ડૂલકર - 7 -8 કરોડ, એમએસ ધોની - 4-6 કરોડ, રોહિત શર્મા - 3-5 કરોડ.