ટ્રમ્પે H-1B વિઝા ફીમાં વધારો કરવાની જાહેરાત કરતા ટેક કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. 21 સપ્ટેમ્બર પહેલા કોઇ પણ સંજોગોમાં કંપનીએ પોતાના કર્મીઓને અમેરિકા પહોંચવા અલ્ટીમેટમ આપી દીધું છે. જો તેઓ 24 કલાકમાં અમેરિકા ન પહોંચ્યા તો 88 લાખ રૂપિયા સુધી ભરવા પડી શકે છે અથવા તો નોકરીથી હાથ ધોવા પડી શકે છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકી એરપોર્ટ પર અફરાતફરી મચી છે. વળી ભારતથી અમેરિકા આવવાની ફ્લાઇટનું ભાડુ પણ વધી ગયું છે.
ટેક્નિકલ એક્સપર્ટ તો પ્લેનમાંથી ઉતરી ગયા
ટ્રમ્પના નિર્ણય બાદ ટેક કપનીઓ દ્વારા અન્ય દેશમાં ગયેલા કર્મચારીઓને પાછા અમેરિકા આવવા કહેવામા આવ્યું છે. જેમાં મેટા, માઇક્રોસોફ્ટ તથા અમેઝોનનો સમાવેશ થાય છે. જે કર્મચારીઓ વર્તમાનમાં વિદેશમાં છે તેઓને હાલ જ અમેરિકા પરત ફરવા કહેવામાં આવ્યું છે. જેનો ફાયજો એરલાઇન્સ દ્વારા લેવામાં આવી રહ્યો છે. કારણ કે આ સમાચાર મળતા જ ઘણા ભારતીય ટેક્નિકલ એક્સપર્ટ તો પ્લેનમાંથી જ ઉતરી ગયા. આ ઉપરાંત ભારતમાં ફસાયેલા લોકો માટે અમેરિકા જતી સીધી ફ્લાઇટમાં ઉછાળો આવ્યો છે.
ટ્રમ્પના આ નિર્ણયથી ફ્લાઇટનું ભાડુ પણ વધી ગયું
ટ્રમ્પની જાહેરાતના બે કલાકની અંદર નવી દિલ્હીથી ન્યૂ યોર્કના જોન એફ. કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીના એક તરફી ફ્લાઇટ ભાડા લગભગ ₹37,000 થી વધીને ₹70,000-₹80,000 થયા. એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે નવી દિલ્હીથી ન્યૂ યોર્ક સિટી સુધીનું હાલનું વિમાન ભાડું $4,500 છે. H-1B વિઝા ધારકો પર પણ તેની અસર યુએસ એરપોર્ટ પર સ્પષ્ટ દેખાઈ. 21 સપ્ટેમ્બરની સમયમર્યાદાની જાણ થતાં યુએસથી ઉડાન ભરનારા ઘણા H-1B વિઝા ધારકોએ ઉતરવાનો નિર્ણય લીધો. મહત્વનું છે કે જે કર્મચારીઓ હાલમાં વિદેશમાં છે તેઓને તરત જ અમેરિકા પરત ફરવા કહેવામાં આવ્યું છે. એચવન બી વિઝા મેળવનારા લગભગ 70 ટકા ભારતીય છે. આ નિર્ણયની તેઓ પર વધારે અસર જોવા મળશે.
