ઓક્ટોબર મહિનામાં વૈશ્વિક ઉત્પાદન પ્રવૃત્તિમાં સુધારો થયો છે, જેમાં એશિયન દેશો, ખાસ કરીને ભારત, થાઈલેન્ડ અને વિયેતનામ, આ વૃદ્ધિમાં અગ્રણી રહ્યા. એક ડેટા મુજબ ચીન અને જાપાનને બાદ કરતાં એશિયાનો ઉત્પાદન PMI (પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) 14 મહિનાની ટોચે પહોંચ્યો છે. આ બતાવે છે કે વૈશ્વિક વેપાર તણાવ અને ભૂ-રાજકીય અનિશ્ચિતતા છતાં એશિયામાં પુનઃપ્રાપ્તિની ગતિ મજબૂત બની રહી છે.
એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે "ભારતે વૈશ્વિક ઉત્પાદન વૃદ્ધિનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ થાઈલેન્ડ અને વિયેતનામ પણ ઓક્ટોબરમાં સારું પ્રદર્શન કર્યું હતું. યુએસ ટેરિફ નીતિ અંગેની ચિંતાઓ હળવી થવાથી ત્યાંના ઉત્પાદકોમાં વિશ્વાસ પાછો આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે થાઈલેન્ડનો PMI મે 2023 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે, જ્યારે વિયેતનામનો PMI જુલાઈ 2024 પછીના સૌથી ઉચ્ચતમ સ્તરે હતો."
ભારત ફરી એક વખત ગ્લોબલ લીડર બન્યું
ભારત ફરી એકવાર ઉત્પાદન રેન્કિંગમાં ટોચ પર રહ્યું છે. HSBC મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં 57.7 થી વધીને ઓક્ટોબરમાં 59.2 થયો. આ માટે તહેવારોની સિઝનમાં માગ અને સરકાર દ્વારા GST દરમાં સુધારાને જવાબદાર ગણવામાં આવ્યા હતા. છેલ્લા 7 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ભારતનો PMI 58થી ઉપર રહ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક પડકારો છતાં ભારતીય ઉત્પાદન ક્ષેત્ર મજબૂત રહ્યું છે. 50થી ઉપરનો PMI વૃદ્ધિ દર્શાવે છે.
નવા ઓર્ડર અને નિકાસ માગમાં પણ વધારો જોવા મળ્યો
બાકીના એશિયામાં પણ ઉત્પાદનમાં મજબૂત સુધારો જોવા મળ્યો. થાઈલેન્ડનો PMI સતત છઠ્ઠા મહિને વધીને 54.6થી 56.6 થયો, જે મે 2023 પછીનો સૌથી મોટો સુધારો છે. વિયેતનામનો PMI પણ સપ્ટેમ્બરમાં 50.4 થી વધીને ઓક્ટોબરમાં 54.5 થયો, જે 15 મહિનાનો રેકોર્ડ છે. નવા ઓર્ડર અને નિકાસ માગમાં પણ વધારો જોવા મળ્યો. એક વર્ષમાં પહેલીવાર નવા નિકાસ ઓર્ડરમાં થોડો વધારો જોવા મળ્યો છે, જે એકંદર વ્યવસાય વૃદ્ધિને ટેકો આપે છે. એકંદરે, ASEAN દેશો માટે સંયુક્ત ઉત્પાદન PMI 52.7 પર પહોંચ્યો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્તર પર છે.
ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા રહ્યા પાછળ
જોકે, બધા એશિયન દેશો તેની બરાબરી કરી શક્યા નહીં. નિકાસ ઓર્ડરમાં ઘટાડાને કારણે ચીનનો PMI સપ્ટેમ્બરમાં 51.2થી ઘટીને ઓક્ટોબરમાં 50.6 થયો. સ્થાનિક માગ અને યુએસ ટેરિફની અસરને કારણે દક્ષિણ કોરિયામાં ફેક્ટરી પ્રવૃત્તિ પણ નબળી રહી. જાપાનનો PMI પણ થોડો ઘટ્યો, જે બાહ્ય માગ અને સપ્લાય ચેઈન સમસ્યાઓમાં ઘટાડો થવાને કારણે થયો. યુએસ અને યુરોપમાં સુધારા છતાં આત્મવિશ્વાસ નબળો રહ્યો. યુએસમાં ઉત્પાદનમાં થોડો સુધારો જોવા મળ્યો, PMI 52થી વધીને 52.5 થયો, જે 20 મહિનામાં નવા ઓર્ડરમાં સૌથી ઝડપી વૃદ્ધિ છે.
યુએસ અને યુરોપમાં પણ નવા નિકાસ ઓર્ડરમાં ઘટાડો થયો
ભારતના મજબૂત પ્રદર્શન છતાં ઓક્ટોબરમાં નિકાસ ઓર્ડર થોડો ધીમો પડ્યો. થાઈલેન્ડ, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો. ફક્ત વિયેતનામમાં નવા નિકાસ ઓર્ડરમાં વધારો નોંધાયો. વિશ્વભરમાં નિકાસ માગ નબળી રહી. યુએસ અને યુરોપમાં પણ નવા નિકાસ ઓર્ડરમાં ઘટાડો થયો અને વ્યવસાયિક વિશ્વાસ ઘટ્યો. જોકે, યુરોઝોનના ઉત્પાદકો હજુ પણ આગામી 12 મહિનામાં ઉત્પાદનમાં વધારો થવા અંગે આશાવાદી છે. આ દરમિયાન આસિયાન દેશોમાં ભાવના વધુ સકારાત્મક છે.