અમેરિકા દ્વારા ભારતીય ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલા 50% ઊંચા ટેરિફનો સીધો પ્રભાવ ભારતના નિકાસ પર દેખાવા લાગ્યો છે. મે મહિનાથી જ ભારતની અમેરિકા તરફની નિકાસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોના ભાવમાં થયેલો વધારો છે. થિંક ટેન્ક GTRI (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ઘરેલું વસ્તુઓ સસ્તી થઈ રહી છે, જ્યારે ભારતીય વસ્તુઓ મોંઘી બની છે, જેના પરિણામે તેની માંગ ઘટી રહી છે. ઓગસ્ટ મહિનામાં ભારતની અમેરિકાને થતી નિકાસ 6.7 અબજ ડોલર સુધી ઘટી ગઈ, જે જુલાઈની સરખામણીમાં 16.3% ઓછી છે અને 2025ની સૌથી મોટી માસિક ગિરાવટ છે.
નિકાસમાં સતત ઘટાડો, ભારત માટે ગંભીર પડકાર
ભારત માટે આ પરિસ્થિતિ એક ગંભીર પડકાર બની રહી છે, કારણ કે અમેરિકા ભારતીય માલની નિકાસ માટે સૌથી મોટું બજાર છે. છેલ્લા ચાર મહિનાના આંકડા દર્શાવે છે કે સ્થિતિ વધુ બગડી રહી છે. જૂનમાં નિકાસ 8.3 અબજ ડોલર હતી, જે જુલાઈમાં 8 અબજ ડોલર અને ઓગસ્ટમાં 6.7 અબજ ડોલર પર પહોંચી ગઈ. મે 2025 પછી, જેમાં નિકાસ 8.8 અબજ ડોલર હતી, સતત ઘટાડો જોવા મળ્યો છે. આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીને લઈને અમેરિકા દ્વારા લાદવામાં આવ્યો છે, જેના પર ભારત સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે આ આરોપ ખોટો છે. આમ છતાં, આ ટેરિફનો ભાર ભારત પર પડી રહ્યો છે.
