શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાલ શેર બજારમાં તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. આજે સેન્સેક્સ 388.17 અંગ વધારા સાથે 84950.95 પર બંધ થયો છે. જો ગત પાંચ બિઝનેસ દિવસની વાત કરવામાં આવે તો માર્કેટમાં 1604.47 અંકોનો વધારો નોંધાયો છે. આ તેજી પાછળ ફંડામેન્ટલથી લઈને ટેક્નિકલ સુધીના કારણો માનવામાં આવે છે. જોકે, આ તેજીનું કારણ ગ્લોબલ ટેન્શનમાં ઘટાડો પણ માનવામાં આવે છે.

નવેમ્બરના અંત સુધીમાં કરારની જાહેરાત

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ભારત-અમેરિકા વેપાર અંગે વાતચીત પૂર્ણ થવાની આરે છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, બને દેશો નવેમ્બરના અંત સુધીમાં કરારની જાહેરાત કરી શકે છે. આ વર્ષે અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો, જે કારણે શેર માર્કેટમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ નજીકના સમયમાં થાય તેવી શક્યતા વચ્ચે શેર માર્કેટમાં તેજી આવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની શેર માર્કેટ પર અસર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, આ બાબત બજારની ચાલ પર આધાર રાખે છે. જો ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ટેરિફને 15થી 16 ટકા વચ્ચે લાવે છે, તો કાપડ, હિરા અને જ્વેલરી જેવા સેક્ટરને ઘણી રાહત મળશે. જોકે, તેનાથી બજારમાં સંપૂર્ણ તેજી આવી શકશે નહીં.

શું કહે છે રિસર્ચ એક્સપર્ટ?

રેલિગેયર બ્રોકિંગના રિસર્ચ અધ્યક્ષ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ એક સારું પગલું હશે. સાયકોલિજિકલ રીતે બજારમાં આનાથી થોડી સકારાત્મક અસર જોવા મળી શકે છે. જોકે, વર્તમાન માર્કેટની ચાલ જણાવે છે કે, આના સકારાત્મક પરિણામો પહેલાથી જ જોવા મળી રહ્યા છે. આનાથી એ સેક્ટરોમાં ખરીદી વધી શકે છે, જેની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. આમાં કાપડ, હિરા-જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક વસ્તુ બનાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. આમ આ તેજી સંપૂર્ણ બજારમાં નહીં પરંતું અમુક સેક્ટરમાં જ જોવા મળશે.

તો બજારમાં મંદી જોવા મળી શકે છે

કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ પ્રમુખ શ્રીકાંત ચૌહાણનું માનવું છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ 15થી 25 ટકા વચ્ચે ટેરિફ નક્કી કરવામાં આવી શકે છે. જો આ ટેરિફ 25 ટકાથી વધુ રહે છે, તો બજારમાં મંદી જોવા મળી શકે છે. આ સાથે જો ટેરિફ 15 ટકા કરતા ઓછો રાખવામાં આવશે તો બજારમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.

નિફ્ટી50 લગભગ 27000 સુધી જઈ શકે છે

શ્રીકાંતના જણાવ્યા અનુસાર, ટેરિફ 20 ટકાથી ઓછો રહે છે, તો ફાર્મા, કપડા અને હીરા-જ્વેલર્સ દેવા સેક્ટરમાં ફાયદો થશે. આઈટી સેક્ટરની વાત કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એચ1બી વિઝા મુદ્દે કડક વલણ ન અપનાવ્યું તો તે મોટો સકારાત્મક સંકેત રહેશે. તેમનું માનવું છે કે, મજબુત ટેક અને બીએફએસઆઈ સેક્ટરના કારણે નિફ્ટી50 લગભગ 27000 સુધી જઈ શકે છે.

આ પહેલા જ બજારમાં સુધારો જોવા મળી શકે છે

શ્રીકાંત ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ભલે કમાણી ધીમી રહી છે, પણ કંપનીના પરિણામ અપેક્ષા અનુસાર છે. ત્રીજા ક્વાટરમાં વધુ સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. વૈશ્વિક સ્થિરતાના સંકેત વચ્ચે બજારમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલની જાહેરાત નવેમ્બરના અંતમાં થાય તેવી શક્યતા છે. આ પહેલા જ બજારમાં સુધારો જોવા મળી શકે છે. ત્રીજા ક્વાટરમાં કમાણી અને મજબૂતીના સંકેતના કારણે અર્થવ્યવસ્થાની પાયાની સ્થિતિ પણ સારી છે.