અમેરિકાની મલ્ટીનેશનલ કંપની પેપ્સિકોની પૂર્વ CEO અને ભારતીય મૂળની ઈન્દિરા નૂઈએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત, અમેરિકા અને ચીનની કાર્ય પદ્ધતિ તથા વિકાસ મોડેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે જણાવ્યું કે જો તેઓ ભારતમાં જ રહ્યા હોત તો કદાચ પેપ્સિકો જેવી વૈશ્વિક કંપનીના CEO બનવાની તક તેમને ન મળી હોત. 

ભારતમાં હજુ પણ કાર્ય પદ્ધતિમાં અનેક પડકારો

તેમના મતે અમેરિકા પ્રતિભા અને યોગ્યતાના આધારે લોકોને આગળ વધવાની સમાન તક આપે છે, જ્યારે ભારતમાં હજુ પણ કાર્ય પદ્ધતિમાં અનેક પડકારો છે. નૂઈએ કહ્યું કે અમેરિકા એવી વ્યવસ્થા ધરાવે છે જ્યાં પ્રતિભાને યોગ્ય માન્યતા મળે છે અને એક પ્રવાસી પણ પોતાની ક્ષમતાના આધારે ટોચના પદ સુધી પહોંચી શકે છે. સાથે જ તેમણે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોની જરૂરિયાત પર ભાર મૂક્યો. 

ચીનને ભારત કરતાં વધુ સુવ્યવસ્થિત ગણાવ્યું

તેમના જણાવ્યા મુજબ ભારતની યુવા વસ્તી, અંગ્રેજી ભાષા પરની પકડ અને IT તથા AI ક્ષેત્રની ક્ષમતાઓ અમેરિકા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રહેણીકરણી અને વ્યવસ્થાના મુદ્દે તેમણે ચીનને ભારત કરતાં વધુ સુવ્યવસ્થિત ગણાવ્યું. તેમના મતે ચીનમાં શહેરી આયોજન અને કામકાજની પદ્ધતિ વધુ ગોઠવેલી છે, જ્યારે ભારતમાં વૈવિધ્ય અને કેટલીક અવ્યવસ્થાઓ જોવા મળે છે.

ભારતની સૌથી મોટી શક્તિ લોકશાહી છે

જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે ભારતની સૌથી મોટી શક્તિ તેની લોકશાહી છે. તેમના કહેવા મુજબ ભારતના વિકાસની ગતિ ભલે ધીમી હોય, પરંતુ દરેક નાગરિકને પોતાનો અવાજ ઉઠાવવાનો અને ન્યાય મેળવવાનો અધિકાર છે, જે દેશની સૌથી મોટી વિશેષતા છે. તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા બંનેએ પરસ્પર સહયોગ વધારી વૈશ્વિક પડકારોનો સામનો કરવો જોઈએ.

આ પણ વાંચો : Hormuz Strait Tension: હોર્મુઝ સ્ટ્રેટ બાદ અમેરિકાએ હવે ચીનને પનામા નહેર મુદ્દે દાખવ્યુ કડક વલણ