અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર મોટો ટેરિફ લગાવ્યો છે.તેમણે 1 નવેમ્બર, 2025 થી ચીનથી આયાતી તમામ ઉત્પાદનો પર 100 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી. આનો અર્થ એ થયો કે પહેલાથી જ લાગુ કરાયેલા ટેક્સ ઉપરાંત 100 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. ટેરિફની ધમકી આપવાની સાથે, ટ્રમ્પે એ પણ જાહેરાત કરી કે અમેરિકા 1 નવેમ્બરથી ક્રિટિકલ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો પણ લાદશે.હવે સવાલ ઉઠી રહ્યા છે કે, તમામ ચીજ ધીમે-ધીમે તેના રસ્તે ચાલી રહી હતી, ત્યારે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કેમ ટેરિફ લાદ્યો છે? જો કે, તેની પાછળ ચીનનો એક નિર્ણય છે.
ચીનનું આ પગલું ટેરિફનું કારણ બન્યું
ચીને એક ડિસેમ્બરથી દુર્લભ ખનિજો (રેર અર્થ મિનરલ્સ) પર આકરા પ્રતિબંધોની જાહેરાત કરી છે. ચીન દુર્લભ ખનિજોનો રાજા છે. તે તેની કુલ નિકાસના 90 ટકા નિકાસ કરે છે. જેથી ચીનનો આ નિર્ણય વિશ્વ પર સંકટ સમાન બની શકે છે. ચીને કહ્યું હતું કે, આ ખનિજોની નિકાસ પર કડક અંકુશ લાદશે, જેથી પર્યાવરણની રક્ષા થાય અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બને. ચીને ભારત પાસે ગેરેંટી માગી છે કે, તે ખાતરી કરે કે, અમેરિકાને ભારે દુર્લભ ખનિજોનો સપ્લાય નહીં કરે, તો જ ચીન ભારતને તેનો સપ્લાય કરશે. ચીનના આ નિર્ણય બાદ ટ્રમ્પ ચીન પર રોષે ભરાયા છે, જેથી તેમણે ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.












