જાપાનની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓ ટૂંક સમયમાં તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની આંતરરાષ્ટ્રીય શાખા NIPLએ NTT DATA જાપાન સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

QR કોડ સ્કેન કરી પૈસા ચુકવી શકાશે

આ કરાર દર્શાવે છે કે ભારતની UPI ટેકનોલોજી વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ બનાવી રહી છે, જે આંતરરાષ્ટ્રીય વ્યવહારોને દરેક માટે સરળ અને અનુકૂળ બનાવે છે. આ કરાર હેઠળ NTT ડેટા-સંલગ્ન વેપારીઓ હવે ભારતીય પ્રવાસીઓ પાસેથી UPI પેમેન્ટ સ્વીકારશે. આનો અર્થ એ છે કે ભારતીય પ્રવાસીઓ QR કોડ સ્કેન કરી શકે છે અને સીધા તેમના મોબાઈલ ફોનથી ચુકવણી કરી શકે છે. આનો હેતુ તેમના માટે ખરીદીને સરળ બનાવવાનો છે અને રોકડ અથવા ફોરેક્સ કાર્ડ પર આધાર રાખવાની જરૂરિયાતને દૂર કરવાનો છે.

દર વર્ષે કેટલા ભારતીય પ્રવાસીઓ લે છે જાપાનની મુલાકાત?

NTT DATA જાપાનના પેમેન્ટ હેડ મસાનોરી કુરિહારાએ જણાવ્યું હતું કે, "જાપાનમાં UPI પેમેન્ટ શરૂ થવાથી ભારતીય પ્રવાસીઓ સરળતાથી ખરીદી કરી શકશે અને જાપાની દુકાનદારો માટે નવો વ્યવસાય ઉભો કરી શકશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે જાપાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. જાન્યુઆરી અને ઓગસ્ટ 2025 વચ્ચે 2,80,000થી વધુ ભારતીય પ્રવાસીઓએ જાપાનની મુલાકાત લીધી હતી. આ ભાગીદારી જાપાનના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે અને ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત અને પરિચિત ડિજિટલ ચુકવણી પદ્ધતિ પ્રદાન કરશે."

કેટલા દેશોમાં UPI કરે છે કામ?

પૂર્વ એશિયામાં આ પહેલી વાર UPI સેવાઓ શરૂ થશે. અત્યાર સુધીમાં ભારતીય પ્રવાસીઓ ફ્રાન્સ, UAE, નેપાળ, મોરેશિયસ, પેરુ, સિંગાપોર, શ્રીલંકા, કતાર અને ભૂટાન જેવા દેશોમાં UPI પેમેન્ટ કરી શકે છે. NTT DATA જાપાન જાપાનના સૌથી મોટા કાર્ડ પેમેન્ટ નેટવર્ક CAFISનું સંચાલન કરે છે, જે દેશભરમાં બેન્કો, દુકાનો અને ATMને જોડે છે. ભારતીયો માટે પેમેન્ટ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે હવે UPI વ્યવહારોને આ નેટવર્કમાં એકીકૃત કરવામાં આવશે.