અમેરિકન કંપની ટેસ્લાએ એલોન મસ્કને આગામી સીઈઓ રહેવા અને કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે જે પગાર ઓફર આપી છે તે 1 ટ્રિલિયન ડોલર એટલે ₹83,00,000 કરોડની હોવાનું કહેવાય છે.
પગાર પેકેજ સાથે મહત્ત્વની જવાબદારીઓ
ટેસ્લાએ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને એવી ઓફર આપી છે જે સાંભળીને વિશ્વાસ ન કરી શકાય. આ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટું સીઈઓ પગાર પેકેજ માનવામાં આવે છે. આ ઓફર 10 વર્ષથી કરવામાં આવી રહી છે. પરંતુ મસ્કને આટલી મોટી રકમ એક સાથે આપવામાં આવશે નહીં. આ માટે તેમણે ટેસ્લાને ઘણા ક્ષેત્રોમાં મોટી સફળતા અપાવવી પડશે. ખાસ કરીને કંપનીના નવા "રોબોટેક્સી" વ્યવસાયને ઝડપથી વિસ્તૃત કરવો પડશે અને કંપનીનું બજાર મૂલ્ય આજના અંદાજે $1 ટ્રિલિયનથી વધારીને ઓછામાં ઓછું $8.5 ટ્રિલિયન કરવું પડશે.
લક્ષ્ય પ્રાપ્તિ બાદ શેર પણ મળશે
આ યોજના હેઠળ, જો મસ્ક બધા લક્ષ્યો પ્રાપ્ત કરે છે. તો તેને ટેસ્લાના લાખો શેર મળશે. જે કંપનીમાં તેનો હિસ્સો 25% સુધી વધારશે. એલોન મસ્કે પહેલાથી જ જાહેરમાં કહ્યું છે કે તે ટેસ્લામાં એવો હિસ્સો ઇચ્છે છે કે ભવિષ્યમાં કંપનીની દિશા પર તેનું મજબૂત નિયંત્રણ હોય. જો આ પગાર ઓફરની સરખામણી તેમના 2018ના પેકેજ સાથે કરવામાં આવે તો તે લગભગ $50 બિલિયન એટલે કે 4 લાખ કરોડ હતી. જેને તાજેતરમાં કોર્ટે રદ કરી દીધી હતી. પરંતુ ટેસ્લા બોર્ડ હવે મસ્કને નવી અને વધુ અસરકારક રીતે કંપની સાથે સંકળાયેલ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કંપનીના ભવિષ્યની જવાબદારી એલોન મસ્ક લેશે
આ પ્રસ્તાવમાં એ પણ શરત મૂકવામાં આવી છે કે આ પેકેજનો છેલ્લો ભાગ મેળવવા માટે મસ્કને કંપનીના ભાવિ સીઈઓના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે. એટલે કે, મસ્કે માત્ર પૈસા કમાવવા માટે જ નહીં પરંતુ કંપનીની આગામી પેઢીને તૈયાર કરવામાં પણ યોગદાન આપવું પડશે. ટેસ્લા ઉપરાંત, એલોન મસ્ક હાલમાં સ્પેસએક્સ, xAI, ન્યુરાલિંક અને ધ બોરિંગ કંપની જેવા ઘણા મોટા પ્રોજેક્ટ્સ સંભાળી રહ્યા છે. આ હોવા છતાં, તેમણે કહ્યું છે કે તેઓ આગામી 5 વર્ષ સુધી ટેસ્લાના સુકાન પર રહેશે.
