નાની રકમની લોન લેનારા લોકોને થોડા જ સમયમાં રાહત મળવાની છે, કારણ કે લાંબી રાહ જોયા પછી UPI પર ક્રેડિટ લાઈનની સુવિધા શરૂ થવા જઈ રહી છે. બેન્કો UPI એપ્સ દ્વારા ગ્રાહકોને સીધી નાની રકમની લોન આપવાની યોજના બનાવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ સુવિધા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જો આ યોજના ખરેખર અમલમાં આવશે તો ગ્રાહકોને નાની લોન માટે બેન્કોના ધક્કા ખાવા નહીં પડે.


કેવી રીતે થશે ફાયદો?

ફિનટેક સેક્ટરના એક સ્થાપકના જણાવ્યા મુજબ બેન્કો નવા ગ્રાહકો (જેમની પાસે બેંક ખાતું નથી) સુધી પહોંચવા માટે UPI પર નાની ક્રેડિટ લાઈન ઓફર કરશે. આ માટે PhonePe, Paytm, BharatPe અને Navi જેવી એપ્સનો ઉપયોગ કરવામાં આવશે. ICICI જેવી મોટી બેન્કો અને કર્ણાટક બેન્ક જેવી નાની બેન્કો પણ આ પ્રોડક્ટને સ્કેલ કરવાની તૈયારી કરી રહી છે.

RBIએ આપી લીલી ઝંડી

બેન્કોએ આ નવી પ્રોડક્ટ અંગે રિઝર્વ બેન્કને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. જેમ કે વ્યાજમુક્ત સમયગાળો, બાકી રકમની જાણ કરવી અને ક્રેડિટ બ્યુરોને માહિતી મોકલવાની પદ્ધતિ. હવે RBIએ આ મુદ્દાઓ પર સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે, ત્યારબાદ તેનું પરીક્ષણ પ્રારંભિક સ્તરે શરૂ થઈ ગયું છે.

NPCIની ભૂમિકા

UPI પ્લેટફોર્મ ચલાવતી NPCIએ સપ્ટેમ્બર 2023માં જ પ્રી-એપ્રુવ્ડ ક્રેડિટ લાઈનની સુવિધા શરૂ કરી હતી. પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે મોટાભાગની બેન્કો તેને શરૂ કરી શકી ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને બેન્કોએ તેને અપનાવવાનું શરૂ કર્યું છે. 10 જુલાઈના રોજ, NPCIએ બેન્કોને એક સૂચના જાહેર કરીને કહ્યું હતું કે આ રીતે જે પણ લોન આપવામાં આવે છે, તેનો ઉપયોગ તે જ હેતુ માટે થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી હતી.

કયા પ્રકારની લોન ઉપલબ્ધ થશે?

  • ગોલ્ડ લોન
  • ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન
  • ગ્રાહક લોન
  • પર્સનલ લોન વગેરે

આનો અર્થ એ થયો કે ગ્રાહકનું ક્રેડિટ એકાઉન્ટ સીધા UPI એપ સાથે લિંક થશે અને ત્યાંથી નાની લોન મેળવી શકાશે.

હાલમાં UPIના લગભગ 30 કરોડ યુઝર્સ

ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે ક્રેડિટ UPI માટે આગામી મોટું પગલું સાબિત થશે. હાલમાં, UPIના લગભગ 30 કરોડ યુઝર્સ છે, જેમાંથી 15.20 કરોડ એક્ટિવ યુઝર્સ છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી UPI ગ્રોથ ધીમી પડી રહી હતી. આવી સ્થિતિમાં ક્રેડિટ લાઈન તેને નવી ગતિ આપી શકે છે. બેન્કોને બેકએન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ફિનટેક કંપની ઝેટાનો અંદાજ છે કે 2030 સુધીમાં UPI પર 1 ટ્રિલિયન ડોલરના વ્યવહારો થઈ શકે છે. 

  • Follow us on: