• Paytm પેમેન્ટ બેન્ક પર RBIની કાર્યવાહી 
  • RBI ગવર્નરે કાર્યવાહીની સમીક્ષાને રદિયો આપ્યો 
  • યોગ્ય ચર્ચા-વિચારણા અને પ્રક્રિયા બાદ કાર્યવાહી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે Paytm પર કરવામાં આવેલ કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. Paytm સામે કરવામાં આવેલ કાર્યવાહી પર બોલતા, દાસે કહ્યું કે વ્યાપક મૂલ્યાંકન પછી જ નિયમનકારી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે Paytm પેમેન્ટ બેંક સામે લેવાયેલી કાર્યવાહીની સમીક્ષા કરવાનો કોઈ અવકાશ નથી. શક્તિકાંત દાસે વધુમાં ઉમેર્યું કે, અમે આ અઠવાડિયે FAQ જાહેર કરીશું. મારી તમને બધાને વિનંતી છે કે તે રિલીઝ થાય ત્યાં સુધી રાહ જુઓ.

યોગ્ય ચર્ચા-વિચારણા અને પ્રક્રિયા બાદ કાર્યવાહી

RBI તરફથી લેવામાં આવેલ નિર્ણય, પછી તે બેંક હોય, પેમેન્ટ બેંક હોય કે સહકારી બેંક, યોગ્ય વિચાર-વિમર્શ અને પ્રક્રિયાઓ પછી લેવામાં આવે છે. RBI ગવર્નરે કહ્યું કે માત્ર Paytm જ નહીં, જ્યારે આપણે કોઈની વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ, સામાન્ય રીતે, અમે મહિનાઓ અને વર્ષો સુધી વાટાઘાટો કરીએ છીએ. એવામાં સમીક્ષા માટે ભાગ્યે જ કોઈ અવકાશ છે.

ગ્રાહકોને અસુવિધા ટાળવા અપાયો મહિનાનો સમય

RBI ગવર્નરે કહ્યું કે સમીક્ષા શબ્દનો ઉપયોગ યોગ્ય નથી. અમારી પ્રાથમિકતા એ છે કે ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે, તેથી અમે એક મહિનાનો સમય આપ્યો છે. આ કાર્યવાહી 31 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. ગ્રાહકનું હિત સર્વોપરી હોવાથી 29મી ફેબ્રુઆરી સુધી એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સોમવારે સવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર હતા.


  • Follow us on: