• એર ઈન્ડિયાએ ઈઝરાયેલની ફ્લાઈટ 18 ઓક્ટોબર સુધી રદ કરી
  • અગાઉ  યુદ્ધને ધ્યાનમાં રાખીને 14 ઓક્ટોબર સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરી
  • યુદ્ધનો કોઈ અંત દેખાતો ન હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો

ટાટા ગ્રૂપની એવિએશન કંપની એર ઈન્ડિયાએ ઈઝરાયેલની ફ્લાઈટ 18 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. અગાઉ કંપનીએ ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને 14 ઓક્ટોબર સુધી એટલે કે આજ સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી. હવે કંપનીએ તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ 14મી ઓક્ટોબર સુધી ફ્લાઇટ રદ કરવામાં આવી 

અહેવાલ અનુસાર, એર ઈન્ડિયાના એક અધિકારીએ 18 ઓક્ટોબર 2023 સુધી તેલ અવીવ જતી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. તે પહેલા એર ઈન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી તેલ અવીવ માટે તેની 5 સાપ્તાહિક ફ્લાઈટ્સ રદ કરી હતી. હવે યુદ્ધનો કોઈ અંત દેખાતો ન હોવાથી કંપની તેને આગળ લઈ ગઈ છે.

યુદ્ધને એક અઠવાડીયું પૂર્ણ

હમાસે ગયા અઠવાડિયે શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના હુમલામાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત ઘણા નાગરિકોનો સમાવેશ થાય છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. જેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. હાલમાં યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નથી.

એર ઈન્ડિયાની 5 શેડ્યૂલ ફ્લાઈટ્સ

સ્થાનિક એરલાઇન એર ઇન્ડિયા તેલ અવીવ અને નવી દિલ્હી વચ્ચે પાંચ સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે છે. હવે આ ફ્લાઈટ્સ 18 ઓક્ટોબર સુધી રદ્દ રહેવાની છે. જોકે, કંપનીએ કહ્યું છે કે તે ઇઝરાયેલથી ભારતીયોને પરત લાવવાની જરૂરિયાત મુજબ ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

ભારત સરકારનું ઓપરેશન અજય

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ એર ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 2 ફ્લાઈટ્સ ઓપરેટ કરી છે. આ ઓપરેશન અંતર્ગત પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી ફ્લાઈટમાં 235 ભારતીયોને ઈઝરાયેલથી પરત લાવવામાં આવ્યા હતા. આ રીતે, અત્યાર સુધીમાં લગભગ 450 ભારતીય નાગરિકોને ઇઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

  • Follow us on: