• અત્યાર સુધી વિદેશમાં વસતા ભારતીયોને 50 ટકા હિસ્સાની જ છૂટ હતી

  • સેબીએ જોગવાઇને ઉદાર બનાવતા ભારતીય શેરબજારમાં રોકાણના પ્રવાહને વેગ મળશે
  • ગિફ્ટ સિટીમાં 80 જેટલા વિદેશી ફંડો કાર્યરત

  હાલમાં ગિફ્ટી સિટી ખાતે 80થી વધુ વિદેશી ફંડો કાર્યરત છે. આ ફંડોએ છેલ્લા ત્રણ વર્ષમાં 2.90 અબજ ડોલરથી વધુ રકમનું રોકાણ કર્યું છે અને તેમના દ્રારા કુલ 30 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે.

   બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ગિફ્ટ સીટી ખાતે કાર્યરત વિદેશી ફંડોમાં બિનનિવાસી ભારતીયો NRI ને 100 ટકા સુધીના હિસ્સાની માલિકી ધરાવવાની છુટ આપી છે. સેબીના બોર્ડની મંગળવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં એનઆરઆઇ અને ઓવરસિઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)માં 50 ટકાથી વધુ હિસ્સાની માલિકી ધરાવી શકતા નથી. હવે સેબી દ્રારા 100 ટકા હિસ્સાની માલિકીની છુટ આપવામાં આવતા વિદેશમાં વસતા ભારતીયો દેશની ઇક્વિટીમાં વધુ રોકાણ કરી શકશે જેના કારણે શેરબજારમાં આવતા વિદેશી રોકાણ પ્રવાહને વેગ મળશે. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ સેબીએ આ છુટ આપતા તેના કારણે બે લાભ થશે. આના કારણે ગિફ્ટ સિટી ખાતે કાર્યરત વિદેશી ફંડોની

  ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને સાથે સાથે વિદેશમાં વસતા ભારતીયો પાસેથી રોકાણનો પ્રવાહ પણ વધુ પ્રમાણમાં આકર્ષી શકાશે.

પેસિવ ફંડોને સ્પોન્સર ગ્રૂપની કંપનીઓમાં હવે 35 ટકા સુધી રોકાણની છૂટ

  સેબી દ્રારા પેસિવ ફંડને ગ્રૂપ કંપનીઓમાં વધુ રોકાણ કરવાની છુટ પણ આપવામાં આવી છે. હાલમાં મ્યુચ્યુઅલ ફંડો તેના સ્પોન્સર હોય એવા ગ્રૂપની કંપનીઓમાં પોતાની પાસેના ભંડોળના 25 ટકાથી વધુ રકમનું રોકાણ કરી શકતા નથી. હવે સેબીએ આ મર્યાદા વધારીને 35 ટકા કરી છે. અગાઉની 25 ટકાની મર્યાદાના કારણે મ્યુચ્યુઅલ ફંડો અને ખાસ કરીને ઇન્ડેક્સ લિંક્ડ ઇટીએફને ઇન્ડેક્સની હલચલને ટ્રેક કરીને પોતાનું રોકાણ વધારવા ઘટાડવામાં મુશ્કેલી પડતી હતી. જોકે હવે તેમને આમાં થોડી વધુ સુગમતા પ્રાપ્ત થશે.

FPIએ NRIનાં પાન કાર્ડની વિગતો રજૂ કરવી પડશે

સેબીએ એક યાદીમાં જણાવ્યું હતું કે એફપીઆઇમાં વિદેશમાં વસતા ભારતીયનો 100 ટકા ફાળો આપવાની છુટ આપવામાં આવી છે, પરંતુ તેના માટે એફપીઆઇએ આવી રીતે રોકાણ કરતાં તમામ એનઆરઆઇ કે ઓસીઆઇના પાનકાર્ડની વિગતો રજૂ કરવી પડશે. આ ઉપરાંત તેઓ ફંડમાં શું આર્થિક હિત ધરાવે છે તેની વિગતો પણ આપવી પડશે. જો પાનકાર્ડ ઉપલબ્ધ ન હોય તો ગિફ્ટ સિટિનું નિયમન જે ઓથોરિટી દ્રારા કરવામાં આવે છે તે ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ રેગ્યુલેટરિ ઓથોરિટીના નિયમોને અનુસરવા પડશે એમ પણ યાદીએ ઉમેર્યું હતું.

એક જ જૂથની કંપનીઓમાં 33 ટકાથી વધુ રોકાણ હોય તો વિગતો જાહેર કરવી પડશે

   જેમાં એનઆરઆઇ દ્વારા 100 ટકા રોકાણ કરવામાં આવ્યું હોય એવું એફપીઆઇ ભારતના કોઇ એક જ જુથની કંપનીઓમાં પોતાના કુલ ભંડોળના 33 ટકાથી વધુ રકમનું રોકાણ ધરાવતું હોય તો એવા સંજોગોમાં આ અંગેની વિગતો આ એફપીઆઇએ સેબી સમક્ષ રજૂ કરવી પડશે.


  • Follow us on: