ગરમીની શરૂઆત થઇ રહી છે. આવી ગરમીમાં લૂથી બચવાનો સહારો છે ડુંગળી. ગરમીમાં ડુંગળીની માગ વધે છે. ત્યારે આવા સમયે સપ્લાય અને કિંમતોને નિયંત્રિત રાખવી મહત્વપૂર્ણ હોય છે. પરંતુ હવે સરકારે દેશમાંથી ડુંગળી એક્સપોર્ટ કરવાનું સરળ બનાવી દીધુ. તો શું ગરમીમાં ડુંગળીના ભાવ સ્થિર રહેશે ખરા ? મહત્વનું છે કે ભારતમાં ડુંગળીની નિકાસ પર ડ્યુટી છે. તેનો દર 20 ટકા છે. હવે સરકારે 1 એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની આ 20 ટકા ડ્યુટી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.

ડુંગળીની નિકાસ પર ડ્યુટી 

20 ટકા નિકાસ ડ્યુટી પાછી ખેંચવાના નિર્ણય અંગે સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તે મુજબ ગ્રાહક વિભાગ તરફથી પત્ર મળ્યા પછી જ, મહેસૂલ વિભાગે 20 ટકા નિકાસ ડ્યુટી પાછી ખેંચવા માટે સૂચના જાહેર કરી છે. સરકારે સપ્ટેમ્બર 2024 માં ડુંગળીની નિકાસ પર આ ડ્યુટી લાદી હતી.

ગ્રાહક બાબતોના મંત્રાલયનું કહેવું છે કે આ નિર્ણય ડુંગળીના ખેડૂતોને તેમના ઉત્પાદન પર લાભ આપવા માટે લેવામાં આવ્યો છે. તે સામાન્ય ગ્રાહકો માટે ડુંગળીના વાજબી ભાવ જાળવવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રવિ પાક દરમિયાન ડુંગળીનું સારું આગમન થવાની અપેક્ષા છે. તેથી, ડુંગળીના જથ્થાબંધ અને છૂટક ભાવમાં ઘટાડો થયો છે.

2024માં કેટલી થઇ નિકાસ? 

સપ્ટેમ્બર 2024 થી નિકાસ ડ્યુટી લાગુ થવા છતાં ચાલુ નાણાકીય વર્ષમાં 18 માર્ચ સુધીમાં દેશમાં ડુંગળીની નિકાસ 11.65 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર 2024માં ડુંગળીની માસિક નિકાસ 0.72 લાખ ટન હતી જે આ વર્ષે જાન્યુઆરીમાં વધીને 1.85 લાખ ટન થઈ ગઈ છે. રવિ પાકના પુરવઠામાં વધારો થવાને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ અને પિંપળગાંવ, એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજારોમાં, 21 માર્ચે ભાવ અનુક્રમે 1,330 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને 1,325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. મંત્રાલયનું કહેવું છે કે છેલ્લા મહિનામાં સમગ્ર ભારતમાં ડુંગળીના ભાવમાં સરેરાશ 39 ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, છેલ્લા મહિનામાં ડુંગળીના છૂટક ભાવમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો થયો છે.

શું ભવિષ્યમાં પણ ડુંગળી સસ્તી રહેશે?

આગામી મહિનાઓમાં દેશમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે. કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે આ વર્ષે રવિ પાક દરમિયાન ડુંગળીનું ઉત્પાદન 227 લાખ ટન થશે, જે ગયા વર્ષના 192 લાખ ટન કરતા 18 ટકા વધુ છે. ભારતના કુલ ઉત્પાદનમાં 70-75 ટકા હિસ્સો ધરાવતો રવિ પાક ડુંગળી, ઓક્ટોબર-નવેમ્બરમાં ખરીફ પાકનો પુરવઠો શરૂ થાય ત્યાં સુધી બજારમાં ભાવ સ્થિર રાખવા માટે જરૂરી છે.