OYOની વેકેશન હોમ મેનેજમેન્ટ કંપની બેલવિલા બાય OYOએ એક મોટું પગલું ભર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયાના ટૂંકા ગાળાના ભાડા પ્લેટફોર્મ મેડકોમ્ફીને હસ્તગત કર્યું છે. આ સોદો રોકડ અને સ્ટોકમાં થયો છે. આ નિર્ણયને ઓયોની પેરેન્ટ કંપની ઓરાવેલ સ્ટેઝની અસાધારણ સામાન્ય સભા (EGM)માં 100% મંજૂરી આપવામાં આવી હતી.

અહેવાલ અનુસાર, આ ડીલ હેઠળ કંપની 1.9 મિલિયન ડોલર એટલેલગભગ રૂ. 16 કરોડના મૂલ્યના શેર જારી કરશે. દરેક શેરની કિંમત 0.67 ડોલર(લગભગ રૂ. 57.09) હશે. આનાથી બેલવિલાની પેરેન્ટ કંપની ઓયોનું મૂલ્ય લગભગ $5 બિલિયન (આશરે રૂ. 42,500 કરોડ) આંકવામાં આવે છે. આ સિવાય બે વર્ષ બાદ 9.6 મિલિયન ડોલર (લગભગ 81 કરોડ રૂપિયા)ના શેર પણ આપવામાં આવશે. કંપની થોડી રોકડ પણ આપશે પરંતુ તેની વિગતો આપવામાં આવી નથી.

મેડકોમ્ફી શું કરે છે?

મેડકોમ્ફીની વેબસાઇટ અનુસાર, કંપનીની શરૂઆત 2015માં સબરીના બેથુનિન અને ક્વિરીન શ્વાઇગોફર દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ઓસ્ટ્રેલિયામાં 1,200થી વધુ મિલકતોનું સંચાલન કરે છે. તેમની ઓફિસો સિડની, મેલબોર્ન, બ્રિસ્બેન, પર્થ અને એડિલેડમાં છે. કંપની ન્યુઝીલેન્ડમાં પણ હાજર છે અને ઓકલેન્ડ, વેલિંગ્ટન અને હેમિલ્ટનમાં મિલકતોનું સંચાલન કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડકોમ્ફી 2024માં લગભગ $9.6 મિલિયન (આશરે રૂ. 81 કરોડ)ની આવક ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. આ કંપની ટૂંકા ગાળાની ભાડા મિલકત વ્યવસ્થાપન સેવાઓ પૂરી પાડે છે. તેમની ટીમ મિલકત રોકાણકારો સાથે મળીને કામ કરે છે જેથી તેમની ભાડાની આવક વધે.