• એનએસઈ ખાતે કંપનીના કાઉન્ટરમાં 5.7 કરોડ શેર્સનું વોલ્યૂમ જોવા મળ્યું

  • બ્લોક ડીલ્સ મારફ્તે કંપનીના 10 ટકાથી વધુ હિસ્સાની લે-વેચ થઈ
  • એનએસઈ ખાતે પેટીએમના શેર્સમાં 5.7 કરોડ શેર્સનું કામકાજ જોવા મળતું હતું

પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશન્સનો શેર ગુરુવારે 10.25 ટકા ગગડી રૂ. 539.80ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીના શેરમાં જંગી કામકાજ વચ્ચે તીવ્ર ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં બ્લોક ડિલ્સ મારફ્તે કંપનીના 10 ટકાથી વધુ ઈક્વિટી હિસ્સાની લે-વેચ થઈ હતી. કામકાજની આખરમાં એનએસઈ ખાતે પેટીએમના શેર્સમાં 5.7 કરોડ શેર્સનું કામકાજ જોવા મળતું હતું.

કાઉન્ટરમાં કોણ ખરીદાર અને કોણ વેચનાર હતાં તેના નામ હજુ સુધી જાણવા મળ્યાં નહોતાં. જોકે અગાઉ માર્કેટ અહેવાલ મુજબ કંપનીમાં ઈન્વેસ્ટર સોફ્ટબેંક તેની પાસેના 2.9 કરોડ શેર્સના વેચાણ માટે વિચારી રહી છે. વૈશ્વિક ટેક ઈન્વેસ્ટર ગુરુવારે બ્લોક ડિલ્સ મારફ્તે રૂ. 555-601.45ની રેંજમાં શેર્સ ઓફર કરે તેવી અપેક્ષા હતી. જોકે શેર વેચાણ માટેની ફ્લોર પ્રાઈસ પેટીએમના બુધવારના બંધ ભાવ રૂ. 601.6થી 8 ટકા નીચી હતી. પેટીએમના આઈપીઓના માર્કેટ લિસ્ટીંગને એક વર્ષ પૂર્ણ થતાં પીઈ ઈન્વેસ્ટર્સ માટેનો લોક-ઈન પિરિયડ સમાપ્ત થયો હતો અને તેઓ શેરમાં વેચાણ કરવા સક્ષમ બન્યાં હતાં. વર્તમાન ભાવે આઈપીઓમાં શેર ખરીદનાર રોકાણકારો જંગી નુકસાન ભોગવી રહ્યાં છે. જોકે પેટીએમમાં કેટલાં વર્ષો અગાઉ શેર ખરીદનારા પીઈ ઈન્વેસ્ટર્સને બજારભાવે પણ જંગી લાભ મળી રહ્યો છે અને તેથી તેમના માટે વર્તમાન ભાવે શેર્સ ઓફ્લોડ કરવા આકર્ષક છે. પેટીએમે રૂ. 2150ના ભાવે શેર ઓફ્ર કર્યો હતો. જે આજે 75 ટકાથી વધુ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ નવેમ્બર 2021માં બજારમાંથી રૂ. 18300 કરોડ ઊભા કર્યાં હતાં અને તે વખતનો તે સૌથી મોટો આઈપીઓ હતો. 12 મે 2022ના રોજ પેટીએમના શેરે રૂ. 510નું તળિયું દર્શાવ્યું હતું. સોફ્ટબેંક વિઝન ફ્ંડ(એસવીએફ્) પેટીએમમાં 11.3 કરોડ શેર્સ અથવા તો 17.45 ટકા હિસ્સો ધરાવતી હતી. જેમાંથી તેણે ગુરુવારે કેટલોક હિસ્સો વેચ્યો હતો. જ્યારબાદ તેનો હિસ્સો ઘટી 13.1 ટકા પર રહ્યો હતો. પેટીએમ હજુ પણ ખોટ દર્શાવી રહી છે.


  • Follow us on: