ભારતીય શેરબજારમાં હાલમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે તેમ છતાં શેરબજારમાં કંપનીઓ અને રોકાણકારોનો વિશ્વાસ અકબંધ છે. આ જ કારણ છે કે હવે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપેએ પણ પોતાનો આઈપીઓ માર્કેટમાં લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પેટીએમ અને મોબિક્વિક જેવી પેમેન્ટ કંપનીઓ પણ દેશમાં તેમના આઈપીઓ લાવી ચૂકી છે.

છેલ્લા 9 વર્ષથી કંપની ભારતમાં કરી રહી છે કામગીરી

અમેરિકાની વોલમાર્ટની માલિકીની ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપે ટૂંક સમયમાં શેરબજારમાં પોતાનું નામ રજિસ્ટ્રર કરાવશે. આ માટે કંપની IPOનો રસ્તો પસંદ કરવા જઈ રહી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે IPO માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફોનપેએ છેલ્લે 2023માં ફંડ એકત્ર કર્યું હતું. ત્યારબાદ કંપનીનું વેલ્યુએશન $12 બિલિયન રાખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, IPO માટે કંપનીનું વેલ્યુએશન આટલું કે તેથી વધુ હોઈ શકે છે. IPO અંગે PhonePe તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કંપનીએ તેના સંભવિત IPO માટે તૈયારી શરૂ કરી દીધી છે. તે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થવાની યોજના બનાવી રહ્યું છે. કંપની માટે આ એક મહત્વપૂર્ણ તક છે. આ વર્ષે તેમણે ભારતમાં કામ શરૂ કર્યાને 10 વર્ષ થશે.

કંપનીએ તમામ ડેટા ફક્ત ભારતમાં જ સંગ્રહિત કરવાનો રહેશે

તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ દ્વારા ફોનપે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈ-કોમર્સ કેટેગરીની કંપની ભારતમાં સિંગાપોરથી કામ કરતી હતી. બાદમાં અમેરિકાના વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કરી લીધી, જેના કારણે ફોનપેની માલિકી પણ વોલમાર્ટ પાસે આવી ગઈ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ભારતમાં કામ કરતી ડિજિટલ પેમેન્ટ કંપનીઓએ તેમનો તમામ ડેટા ફક્ત ભારતમાં જ સંગ્રહિત કરવાનો રહેશે.

UPI ટ્રાન્ઝેક્શન કરવા માટે ફોન પે લોકોની પહેલી પસંદગી

આવી સ્થિતિમાં ડિસેમ્બર 2022માં ફોનપેએ તેની હાજરી સિંગાપોરથી ભારતમાં ખસેડી છે. આ માટે કંપનીએ ભારત સરકારને લગભગ 8,000 કરોડ રૂપિયા કર તરીકે ચૂકવવા પડ્યા છે. હાલમાં ભારતમાં ડિજિટલ ચુકવણીનો સૌથી મોટો સ્ત્રોત UPI છે. જાન્યુઆરી 2025માં ફોનપેનો દેશના તમામ UPI વ્યવહારોમાં 47 ટકાથી વધુ બજાર હિસ્સો હતો. ફોનપે પછી ગૂગલની ગૂગલ પે સેવા 36 ટકાથી વધુ બજાર હિસ્સા સાથે દેશની બીજી અગ્રણી ચુકવણી કંપની છે. પેટીએમ પાસે હવે ફક્ત 6.78 ટકા બજાર હિસ્સો બાકી છે.