GSTના નિયમ 96માં સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 દ્વારા તા. 1-7-2017થી અમલી નીચેની 3 જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે :
1 . નિયમ 96 (4)માં નવો કલોઝ (C) દાખલ કરવામાં આવ્યો છે. આ જોગવાઈ નીચે મુજબ છે : 96 (4) : રિફંડનો દાવો નીચેના સંજોગોમાં સ્થગિત કરવામાં આવશે.
(A) અને (B) XXXXX
(C) જ્યારે બોર્ડના કમિશનર કે બોર્ડ દ્વારા અધિકૃત અધિકારીનું માહિતીના વિશ્લેષણ કે જોખમોના માપદંડોના આધારે એવું મંતવ્ય હોય કે રાજ્યની આવકની સલામતી માટે નિકાસકારને રિફંડની ચુકવણી કરતા પહેલાં તેની લાયકાત તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની યોગ્યતા સહિતની ચકાસણી જરૂરી છે.
બોર્ડ દ્વારા નિયમ 96 (4) (C) હેઠળની સત્તાનો ઉપયોગ કરવા માટે DGARMના પ્રિન્સિપલ ડિરેક્ટર અને ડિરેક્ટર જનરલને અધિકૃત કરવામાં આવેલ છે.
2. નિયમ 96માં નવો પેટા નિયમ (5A) તા. 1-7-2017થી અમલી દાખલ કરવામાં આવેલ છે.
96 (5A) : જ્યારે નિયમ 96 (4)ના પેટા કલોઝ (A) કે (C) હેઠળ રિફંડ સ્થગિત કરવામાં આવેલ હોય ત્યારે તે રિફંડના દાવો સેન્ટ્રલ ટેક્સ, સ્ટેટ ટેક્સ કે યુનિયન ટેક્સના સંબંધિત અધિકારીને કોમન પોર્ટલ પર ઇલેક્ટ્રોનિકલી સિસ્ટમ દ્વારા ઉત્પન્ન FORM GST RFD 01 થી તબદીલ કરવામાં આવશે અને આ અંગેની માહિતી કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિકલી જે તે નિકાસકારને આપવામાં આવશે, અન્ય કોઈ નિયમમાં બીજી કોઈપણ જોગવાઈ હોય તેમ છતાં આવા સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ ફોર્મને આવા કેસમાં રિફંડની અરજી ગણવામાં આવશે અને જે તારીખે તે અધિકારીને તબદીલ થયેલ હોય તે દિવસે તે દાખલ થયેલ ગણાશે.
3. નવો પેટા નિયમ (5C) પણ નિયમ 96માં સામેલ કરવામાં આવેલ છે જે અનુસાર કોમન પોર્ટલ પર FORM GST RFD- 01 માં નિયમ 96ના પેટા નિયમ (5A) કે (5B) હેઠળ રિફંડની તબદીલ થયેલ અરજીની નિયમ 89 અનુસાર કાર્યવાહી કરવાની રહેશે.
જોખમી નિકાસકારનું રિફંડ સ્થગિત કરવાની કાર્યવાહી
GSTના નિયમ 96માં ઉપર જણાવ્યા અનુસારના સુધારાઓ અંગેની સલાહો અધિકારીઓને તા. 29-9-2022ના રોજ આપવામાં આવેલ છે તદઅનુસાર DGARMના અધિકારીઓને નિકાસકારનું ભારતભરનું રિફંડ સ્થગિત કરવા માટે નિકાસકારના ICE અથવા GSTIN પર ચેતવણી આપવાની સગવડ ઊભી કરવામાં આવી છે. DGARMના અધિકારીઓને આ ચેતવણી દૂર કરવાની પણ સત્તા આપવામાં આવી છે. DGARM દ્વારા જોખમી નિકાસકાર તરીકેની ચેતવણી અપાયા બાદ કસ્ટમ્સના અધિકારીઓએ કરવાની પ્રક્રિયાની પણ તા. 29-9-2022ની સૂચનાથી જાણ કરવામાં આવી છે. DGARM માહિતીના વિશ્લેષણ અને જોખમના માપદંડોના આધારે જે નિકાસકારોની લાયકાત અથવા તેમના સપ્લાયરોની કે તેમની મળવાપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટની રિફંડ ચૂકવતા પહેલાં ચકાસણી જરૂરી હોય તેની ઓળખ કરશે અને ત્યાર બાદ સમગ્ર ભારત માટે આવા નિકાસકારને લગતી ચેતવણી ભારતના કસ્ટમ્સની EDI સિસ્ટમ પર તેમ કરવાના કારણો સહિત મૂકવામાં આવશે. એક વખત કોઈ નિકાસકાર માટે આવી ચેતવણી મૂકવામાં આવે ત્યાર બાદ IGST હેઠળનું આવા નિકાસકારનું રિફંડ રોકી રાખવામાં આવશે.
FORM GST RFD 01 તબદીલ કરવાની કાર્યવાહી
શિપિંગ બિલની નિકાસકારે દાખલ કરેલ માહિતી ICEGATE મારફતે GSTN પર નિયમ 96 (5A) અનુસાર FORM GST RFD 01 માં રિફંડનો દાવો ઊભો કરવા તબદીલ કરવામાં આવશે. ભૂતકાળના જે વ્યવહારો માટે નિકાસકાર જોખમી તરીકે ઓળખાયેલ હોય અને જેની ખરાઈ ચકાસણી ચાલુ હોવાના કારણે કે નેગેટિવ રિપોર્ટ આવવાના કારણે થઈ શકેલ ન હોય તેને પણ ICEGATE મારફતે GSTN 52 નિયમ 96 (5A) મુજબ FORM GST RFD 01 માં રિફંડનો દાવો કરવા માટે તબદીલ કરવામાં આવશે.
તબદીલ થયેલ રિફંડની અરજી અંગેની કાર્યવાહી
FORM GST RFD 01 નો રિફંડનો દાવો ક્ષેત્રાધિકારના અધિકારીને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જે જોખમના માપદંડોના આધારે નિકાસકારની જોખમી નિકાસકાર તરીકે DGARM દ્વારા ઓળખ થયેલ હોય તેની પણ માહિતી ક્ષેત્રાધિકારના અધિકારીને આપવામાં આવશે. જે કેસોમાં ક્ષેત્રાધિકારના અધિકારી દ્વારા DGARMને નિકાસકારની ચકાસણીનો રિપોર્ટ આપી દેવામાં આવેલ હોય તે રિપોર્ટ પણ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન FORM GST RFD 01 ની સાથે આપવામાં આવશે. IGSTના આવા રિફંડ કે જે DGARM દ્વારા જોખમી નિકાસકાર જાહેર કરવાના કારણે સ્થગિત કરવામાં આવેલ તે ક્ષેત્રાધિકારના અધિકારીને તબદીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવો રિફંડનો દાવો મળતા જ ક્ષેત્રાધિકારના અધિકારીએ તુરત જ નિયમ 89 હેઠળ દાખલ કરેલ RFD 01 ના રિફંડની જેમ જ તેની પ્રક્રિયા કરવાની રહેશે. આવા રિફંડની ચકાસણી કરવા રાજ્યની આવકના હિતમાં અધિકારીએ પૂરતી ચોક્સાઈ રાખવાની રહેશે અને નિકાસકારની લાયકાત અને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવાની સત્યતા તપાસવાની રહેશે. જો નિકાસકાર ધંધાની જગ્યાએ અસ્તિત્વમાં છે અને હયાત છે તેની ચકાસણી માટે જરૂર જણાય તો યોગ્ય અધિકારી નિકાસકારના ધંધાની જગ્યાએ તપાસ પણ કરી શકશે. અધિકારીએ રિફંડ મંજૂર કરતા FORM GST RFD 06ના આદેશની સાથે વિગતવાર કારણોસભર આદેશ કરીને પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. આ માટે નિયમ 54 (7) અનુસારની સમય મર્યાદાનું અધિકારીએ પાલન કરવાનું રહેશે. રિફંડ બાબતે અગાઉની તા. 1 4-6-2022ની સૂચના અનુસાર ફેરતપાસ અને ઓડિટની પ્રક્રિયા પણ લાગુ પડશે. જે કેસોમાં ઊંડાણથી ચકાસણીની આવશ્યકતા હોય ત્યાં કલમ 54 (11) અનુસાર રિફંડ સ્થગિત રાખવાની કાર્યવાહી પણ કરી શકાશે.
જોખમી નિકાસકાર તરીકે ચાલુ રાખવા કે કેમ તે નક્કી કરવાનું રહેશે
અધિકારીએ FORM GST RFD 06માં રિફંડનો આદેશ કરવાની સાથે કોમન પોર્ટલ પર પોતાનો અભિપ્રાય પણ આપવાનો રહેશે કે નિકાસકારને જોખમી નિકાસકાર તરીકે ચાલુ રાખવા કે દૂર કરવા. GSTN દ્વારા અધિકારી દ્વારા નિકાસકારની રિફંડના દાવાની ચકાસણીનું જે પરિણામ આવ્યું હોય તેની માહિતી DGRANને આપવામાં આવશે જેથી કરીને જે તે નિકાસકારને જોખમી નિકાસકાર તરીકે ચાલુ રાખવા કે કેમ તે અંગેની કાર્યવાહી તે કરી શકે.