- છેલ્લા બે વર્ષમાં IT સિસ્ટમની ચકાસણી દરમિયાન ધ્યાન પર આવેલી ક્ષતિઓ દૂર કરવામાં
- બેંકે ઉદાસીનતા દાખવતા RBIએ આખરે કોરડો વીંઝયો
- જોકે બેંક તેના ક્રેડિટકાર્ડધારકો સહિતના હાલના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખી શકશે
RBIએ કેમ પ્રતિબંધ મુકવો પડયો
કોટક મહિન્દ્રા બેંકની આઇટી સિસ્ટમમાં જે ગંભીર ક્ષતિઓ મળી આવી હતી તે અંગે આરબીઆઇ છેલ્લા બે વર્ષથી બેંકનું ધ્યાન દોરી રહી હતી અને બેંક આ ક્ષતિઓ દૂર કરે તેની પર સતત ધ્યાન રાખી રહી હતી. આમ છતાં બેંક દ્વારા આ ક્ષતિઓ સુધારવા જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેનાથી મધ્યસ્થ બેંકને સહેજ પણ સંતોષ થયો ન હતો. આરબીઆઇએ આદેશમાં જણાવ્યા મુજબ છેલ્લે છેલ્લે તો બેંકના ક્રિડેટ કાર્ડને લગતા વહેવારો સહિત ઓનલાઇન ટ્રાન્ઝક્શનના વોલ્યુમમાં અત્યંત ઝડપથી વધારો થયો હતો. આના પરિણામે બેંકની આઇટી સિસ્ટમ પરનો લોડ પણ અનેક ગણો વધી ગયો હતો. આથી આવો પ્રતિબંધ મૂકવો અનિવાર્ય હતો.
RBI ઓડિટ પૂર્ણ થશે તે પછી પ્રતિબંધના નિર્ણયની સમીક્ષા કરશે
આરબીઆઇએ તેના આદેશમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ પછી કોટક મહિન્દ્રા બેંક આરબીઆઇની પૂર્વ મંજૂરી મેળવી કોમ્પ્રિહેન્સિવ એક્સટર્નલ ઓડિટની પ્રક્રિયા પૂર્ણ કરશે અને એક્સટર્નલ ઓડિટમાં ધ્યાન દોરવામાં આવ્યું હોય એવી તમામ ક્ષતિઓને દૂર કરશે તે પચી મધ્યસ્થ બેંક દ્વારા પ્રતિબંધના આ નિર્ણયની સમીક્ષા કરશે
ક્ષતિઓ ન નિવારાય તો બેંકની આઇટી સિસ્ટમ ખોરવાઇ એવી શક્યતા હતી : RBI
આરબીઆઇએ આ પ્રતિબંધ પાછળનું લોજિક સમજાવતા જણાવ્યું હતું કે બેંક પર ગ્રાહકોના હિતમાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મુકવા પાછળનો આશય આઇટી સિસ્ટમ ફેલ જાય તો લાંબાં સમય સુધી ગ્રાહકો બેંકની સેવાઓનો લાભ ન લઇ શકે એવી સંભવિત પરિસ્થિતને અટકાવવાનો છે. જો આવું થાય તો ગ્રાહકોને અસરકારક સેવાઓ પૂરી પાડવાની બેંકની ક્ષમતા પર તો તેની વિપરતી અસર થાય જ પણ તે ઉપરાંત ડિજિટલ બેંકિગ અને પેમેન્ટ સિસ્ટમની ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ પર પણ તેની ગંભીર અસર થવાની શક્યતા હતી. હાલમાં મુકવામાં આવેલા પ્રતિબંધ ઉપરાંત પણ જરૂરી લાગશે તો આરબીઆઇ બેંક સામે વધુ નિયમનકારી પગલાં પણ લઇ શકે છે એમ પણ આરબીઆઇએ આદેશમાં જણાવ્યું હતું.
એક મહત્ત્વપૂર્ણ આદેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કોટક મહિન્દ્ર બેંક દ્વારા ઓનલાઇન કે મોબાઇલ બેંકિગ દ્વારા નવા ગ્રાહકો બનાવવા પર અને નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. 24મી એપ્રિલના આદેશમાં આ બેંકના ટેકનોલોજી પ્લેટફોર્મમાં કેટલી ખામીઓ હોવાથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એમ આરબીઆઇએ જણાવ્યું છે. મધ્યસ્થ બેંકે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં બેંકની આઇટી સિસ્ટમ્સની જે ચકાસણી કરવામાં આવી હતી, તેમાં આ ખામીઓ ધ્યાન પર આવી છે. આરબીઆઇએ આદેશમાં એમ પણ જણાવ્યું છે કે આ પ્રતિબંધ બેંકના હાલના ગ્રાહકો પર લાગુ નહીં પડે અને કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડધારકો સહિતના તેના હાલના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડવાનું ચાલુ રાખી શકે છે. આરબીઆઇના આ પ્રતિબંધને કારણે બેંકના નવા ગ્રાહકો મેળવવાની પ્રવૃત્તિ પર નોંધપાત્ર વિપરીત અસર થઇ શકે છે કારણ કે હાલમાં જે નવા ખાતાઓ ખુલે છે તેનો એક મોટો હિસ્સો મોબાઇલ બેન્કિંગ અને ઓનલાઇન બેંકિગની ચેનલ દ્વારા આવે છે. આ ઉપરાંત નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યું કરવા પરના પ્રતિબંધના કારણે બેંકના ક્રેડિટ કાર્ડના બિઝનેસ પર અને ખાસ કરીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડના સોદા પર ઘણી વિપરીત અસર થઇ શકે છે. આરબીઆઇએ તેના આદેશમાં જણાવ્યું હતું કે 2022 અને 2023ના વર્ષમાં કોટક મહિન્દ્રા બેંકની આઇટી સિસ્ટમની જે ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી ઘણા ચિંતાજનક કહી શકાય એવા મુદ્દા ઊભરી આવ્યા હતા. બેંક આ ક્ષતિઓ સર્વગ્રાહી અને નિયત સમયમર્યાદામાં સુધારી લેવામાં નિષ્ફળ રહી છે જેના કારણે આ પગલું લેવું જરૂરી બની જાય છે. આરબીઆઇએ પોતાના પગલાં અંગે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે સતત બે વર્ષ સુધી કોટક મહિન્દ્રા બેંક આઇટી રિસ્ક એન્ડ ઇન્ફોર્મેશન સિક્યુરીટી ગવર્નન્સના મોરચે ઊણી ઉતરી છે, જે નિયમનકારી જોગવાઇથી તદ્દન વિપરીત છે.
2020માં HDFC બેંક પર પણ આ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો હતો
આરબીઆઇએ અગાઉ 2020માં એચડીએફસી બેંક પર પણ આ પ્રકારનો પ્રતિબંધ મુક્યો હતો. એ સમયે જ્યાં સુધી કેટલીક ટેકનિકલ ક્ષતિઓ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી બેંક દ્વારા તમામ નવી ડિજિટલ પ્રોડક્ટ કે સર્વિસીસના લોચિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બેંકની આઇટી સિસ્ટમમાં વારંવાર આઉટેજની ઘટના જોવા મળતાં તેની સજા રૂપે બેંક દ્વારા નવી ડિજિટલ પ્રોડક્ટ-સર્વિસીસ લોંચ કરવા પર કે નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા પર આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એ પછી ઓગસ્ટ, 2021માં આરબીઆઇએ આ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લીધો હતો અને બેંકને નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવાની છૂટ આપવામાં આવી હતી. એ પછી માર્ચ, 2022માં નવી ડિજિટલ પ્રોડક્ટ લોંચ કરવા પરનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો હતો. એ સમયે એચડીએફસી બેંકના ડેટા સેન્ટરમાં વારંવાર આઉટેજની એટલે કે ઓનલાઇન સેવાઓ ખોરવાઇ જાય એવી ઘટનાઓ વારંવાર જોવા મળી હતી. આથી કોટક મહિન્દ્રા બેંકના કિસ્સામાં જે કારણોનો ઉલ્લેખ કરી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે જ કારણોસર એચડીએફસી બેંક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પ્રતિબંધના આદેશમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે બેંક દ્વારા આઉટેજના કારણોની તપાસ કરવામાં આવે અને તે માટે કોણ જવાબદાર છે તે નક્કી કરવામાં આવે. આ પછી બેંકે તેની સિસ્ટમનું ઓડિટ કરાવી આ ક્ષતિઓ દૂર કરવા માટેનુ આયોજન આરબીઆઇ સમક્ષ રજુ કર્યું હતું.
બેંકની આઇટી સિસ્ટમમાં કઇ કઇ ખામીઓ પ્રકાશમાં આવી
આરબીઆઇના આદેશમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ કોટક મહિન્દ્રા બેંકની આઇટી સિસ્ટમમાં નીચેની બાબતોમાં ગંભીર ક્ષતિઓ અને નિયમભંગ થતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું :
આઇટી ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ
પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ
યુઝર્સ એક્સેસ મેનેજમેન્ટ
વેન્ડર્સ રિસ્ક મેનેજમેન્ટ
ડેટા સિક્યુરીટી એન્ડ ડેટા લિક પ્રિવેન્શન સ્ટ્રેટેજી
ગ્બિઝનેસ કન્ટયુનિટી એન્ડ ડિઝાસ્ટર રિકવરી રિગોર એન્ડ ડ્રિલ