રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરતી વખતે જણાવ્યા મુજબ ગોલ્ડ લાઇન માટેની નવી ગાઇડલાઇન્સનો મુસદ્દો જાહેર કર્યો છે.
ગોલ્ડ લોન આપવાની પ્રક્રિયા સિદ્ધાંત આધારિત બને અને સાથે સાથે તેનું નિયમન કરતું માળખું પણ મજબૂત તથા તર્કસંગત બને તે હેતુથી આ મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. આ ગાઇડલાઇન્સ ગોલ્ડ લોન આપતી તમામ કંપનીઓ જેવી સ્મોલ ફાયનાન્સ બેંક, એનબીએફસી, રિજ્યોનલ રુરલ બેંક, સહકારી બેંક વગેરેને લાગુ પડશે. આ ગાઇડલાઇન્સના મુસદ્દા અનુસાર ગોલ્ડ લોન આપતી તમામ સંસ્થાઓએ તેમની ક્રેડિટ રિસ્ક મેન્જમેન્ટ પોલિસીમાં ગોલ્ડ લોનનો પણ સમાવેશ કરવાનો રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ જોગવાઇ એ કરવામાં આવી છે કે હવેથી ગોલ્ડ લોન આપતી સંસ્થાઓએ એવી પદ્ધતિ અને નિયમનકારી જોગવાઇઓ ગોઠવવાની રહેશે કે જેથી ગોલ્ડ લોન દ્રારા મેળવવામાં આવેલી રકમનો અંતિમ ઉપયોગ ક્યાં થાય છે તેની પર સમયાંતરે દેખરેખ રાખી શકાય અને તેનો રેકોર્ડ પણ રાખી શકાય.
અન્ય સુચિત જોગવાઇ મુજબ જો હયાત લોનને સ્ટાન્ડર્ડની કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવી હોય તો જ હયાત લોનને રિન્યુ કરી શકાશે અથવા તો તેની પર ટોપ અપ લોન આપી શકાશે. આ ઉપરાંત માન્ય રાખવામાં આવ્યો હોય એવા એલટીવી રેશિયોમાં અવકાશ હોય તો જ આ પ્રકારે લોન રિન્યુ કરી શકાશે અથવા તો ટોપ અપ લોન આપી શકાશે.
સુધારા મુજબ લેન્ડર્સ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે મ્યુચ્યુઅલ ફંડનું પીઠબળ ધરાવાતા હોય એવા પ્રાયમરિ ગોલ્ડ કે સિલ્વર સામે લોન નહીં આપી શકે. આ ઉપરાંત આરબીઆઇએ નિયમોમાં એવી જોગવાઇ પણ કરી છે કે એક જ ગોલ્ડને કોલેટરલ તરીકે મુકીને આવક મેળવી શકે હોય એવી અને ઉપયોગ કરવા માટે મેળવાતી હોય એવી એમ બે પ્રકારની લોન આપી શકાશે નહીં. આ ઉપરાંત જ્યારે ગોલ્ડની માલિકી શંકાસ્પદ હોય ત્યારે પણ લેન્ડર્સ ગોલ્ડ લોન આપી શકશે નહીં.
