આપણે સૌ કોઇ નાણાકીય વહેવારોમા ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ. આપણા રોજીંદા જીવનનો એક ભાગ છે ચલણી નોટો. પણ શું તમને ક્યારેય સવાલ તાય ખરો કે આ નોટો ફાટી જાય તૂટી જાય પછી તેનું શું થાય?


આ નોટોનો ઉપયોગ હવે પાર્ટિકલ બોર્ડ બનાવવા માટે કરવામાં આવશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે જૂની, ફાટેલી અને ચલણમાંથી બહાર નીકળી ગયેલી નોટોને ફક્ત બાળવા કે ગાળવાને બદલે પર્યાવરણને અનુકૂળ રીતે ફરીથી ઉપયોગમાં લેવાની યોજના બનાવી રહી છે. RBI એ તેના તાજેતરના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ નોટોનો ઉપયોગ હવે પાર્ટિકલ બોર્ડ બનાવવા માટે કરવામાં આવશે, જેનો ઉપયોગ ખુરશીઓ, ટેબલ અને અન્ય ફર્નિચર બનાવવા માટે થઈ શકે છે.

અત્યાર સુધી ફાટેલી-તૂટેલી નોટોનો નિકાલ કેવી રીતે થતો હતો?

રિઝર્વ બેંકને દર વર્ષે15,000 ટનથી વધુ નોટો મળે છે જે જૂની, ફાટેલી અથવા અન્ય કારણોસર ચલણમાંથી બહાર કાઢવામાં આવે છે. અત્યાર સુધી, આ નોટો કાં તો સળગાવીને અથવા ગાળીને નાશ પામતી હતી. આ પ્રક્રિયા માત્ર ખર્ચાળ જ નહોતી પણ પર્યાવરણ માટે પણ હાનિકારક હતી.

હવે શું બદલાશે?

RBIએ હવે આ મામલે પાર્ટિકલ બોર્ડ બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો છે. આ યોજના હેઠળ, RBI આ ક્ષતિગ્રસ્ત નોટોને બારીક ટુકડાઓમાં રૂપાંતરિત કરશે અને આ કંપનીઓને વેચશે. આ કંપનીઓને સસ્તો અને ટકાઉ કાચો માલ પૂરો પાડશે, જ્યારે RBI માટે નાશનો ખર્ચ પણ ઘટશે. આ પ્રક્રિયા બેંક માટે વધારાની આવક પણ ઉત્પન્ન કરશે.

પર્યાવરણ માટે ફાયદાકારક

RBIએ પર્યાવરણના હિતમાં આ પગલું ભર્યું છે. અત્યાર સુધી, નોટો બાળવાની અથવા ગાળવાની પ્રક્રિયા પર્યાવરણ માટે હાનિકારક માનવામાં આવતી હતી. તેથી, બેંકે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળના ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી પાસેથી આ વિષય પર એક અભ્યાસ કરાવ્યો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જૂની નોટોના ભંગારનો ઉપયોગ પાર્ટિકલ બોર્ડના ઉત્પાદનમાં અસરકારક રીતે કરી શકાય છે.

પાર્ટિકલ બોર્ડ શું છે?

પાર્ટિકલ બોર્ડ એક પ્રકારનું એન્જિનિયર્ડ લાકડું છે, જે લાકડાના ભંગાર, લાકડાનો વહેર અથવા અન્ય રેસા ગુંદર અને રેઝિન સાથે ભેળવીને તૈયાર કરવામાં આવે છે. હવે તેમાં જૂની નોટોના ભંગારનો પણ સમાવેશ થશે, જેમાંથી ખુરશીઓ, ટેબલ, કબાટ જેવા ટકાઉ ફર્નિચર બનાવી શકાય છે.

પાર્ટિકલ બોર્ડ લાકડાના નાના કણો, જેમ કે લાકડાનો વહેર અને અન્ય ઉત્પાદનોના ઉત્પાદનમાંથી બચેલા અન્ય ટુકડાઓમાંથી બનાવવામાં આવે છે, જે ગરમી અને દબાણ હેઠળ રેઝિનનો ઉપયોગ કરીને તૈયાર થાય છે.


  • Follow us on: