- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીની માર્કેટ કેપિટલ 20 લાખ કરોડ રૂપિયાથી વધુ
- AGMમાં મુકેશ અંબાણીએ કંપનીના શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની કરી જાહેરાત
- 7 સપ્ટેમ્બર 2017ના રોજ બોનસ શેર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી
આજે ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) શરૂ થતાં જ મુકેશ અંબાણીએ કંપનીના 35 લાખ શેરધારકોને મોટી ભેટ આપી છે. તેમણે આગામી 5મી સપ્ટેમ્બરે તમામ શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ સાથે કંપનીના શેરના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. કંપનીની માર્કેટ કેપિટલ 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. કંપની પેટ્રોકેમિકલ્સ, એનર્જીથી લઈને રિટેલ, ટેલિકોમ અને ન્યુ એનર્જી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.
5મી સપ્ટેમ્બરે બોનસ શેર મળશે
રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ કંપનીના શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે દરેક શેરધારકને દરેક શેર માટે એક બોનસ શેર મળશે. આ કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવ 5 સપ્ટેમ્બર પછી ફરી એક વખત વિભાજિત થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાન્યુઆરી 2000થી તેના શેરની ફેસ વેલ્યુ વિભાજિત કરી નથી. તેના બદલે કંપનીએ બોનસ શેર આપવાનો માર્ગ અપનાવ્યો છે. કંપનીએ અગાઉ 26 નવેમ્બર 2009ના રોજ 1:1ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી હતી. આ પછી 7 સપ્ટેમ્બર 2017ના રોજ બોનસ શેર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
દિવાળી પર લોન્ચ થશે જિયો એઆઈ ક્લાઉડ
મુકેશ અંબાણીએ બેઠકમાં જિયોની નવી ઓફરિંગની જાહેરાત કરી અને કહ્યું કે કંપની હવે પોતાની ક્લાઉડ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. તેમને જાહેરાત કરતા કહ્યું કે જિયો એઆઈ ક્લાઉડ સર્વિસ આ વર્ષે દિવાળીથી શરૂ થશે. કંપનીની સર્વિસ ઉપયોગ કરનારા જિયો યૂઝર્સને જિયો એઆઈ ક્લાઉડ વેલકમ ઓફર તરીકે 100 જીબીનો મફત ડેટા સ્ટોરેજ મળશે.
Jio Brainની પણ થશે શરૂઆત
વધુમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો લોકોમાં AIને અપનાવવા માટે ઝડપથી AI-લાઈફસાઈકલ સંબંધિત ટૂલ્સ અને પ્લેટફોર્મ્સ વિકસાવી રહ્યું છે. કંપની તેને Jio Brain કહે છે. આ સેવા Jio સંબંધિત વિવિધ સેવાઓને AI અપનાવવા સક્ષમ બનાવશે, જે આ તમામ પ્લેટફોર્મના ગ્રાહકોની જરૂરિયાતોને સમજવામાં મદદ કરશે. જિયોએ છેલ્લા 1 વર્ષમાં 5જી અને 6જી ટેક્નોલોજી માટે જ 350 પેન્ટેન્ટ ફાઈલ કરી છે. તેની સાથે જ કંપનીએ 100 દિવસમાં પોતાના જિયો ફાઈબર્સની સંખ્યાને ઝડપથી વધારવાની પણ જાહેરાત કરી છે.
રિલાયન્સના શેરના ભાવમાં ઉછાળો
મુકેશ અંબાણીએ બોનસ શેરની જાહેરાત કર્યા બાદ તરત જ કંપનીના શેરની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો છે. એજીએમની શરૂઆત પહેલાં બપોરે 1.30 વાગ્યે કંપનીના શેરની કિંમત 3007 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી અને રિલાયન્સની એજીએમ 2 વાગ્યે શરૂ થઈ અને ત્યારબાદ કંપનીના શેરના ભાવ વધવા લાગ્યા. બોનસ શેરની જાહેરાત બાદ કંપનીના શેરનો ભાવ રૂ. 3,074.80ની ઈન્ટ્રા-ડે હાઈએ પહોંચ્યો હતો. એટલે કે શેરમાં લગભગ 2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જો કે હવે કંપનીના શેરમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં તેની કિંમત 2.45 વાગ્યા સુધીમાં ઘટીને 3024 રૂપિયા થઈ ગઈ છે.