ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 'ઓપરેશન સિંદૂર'નો ટ્રેડમાર્ક ખરીદવાનો ઈનકાર કર્યો છે. કંપનીએ કહ્યું છે કે તે તેને ખરીદવા માગતી નથી. કંપનીએ કહ્યું કે આ નામ હવે રાષ્ટ્રીય ચેતનાનો એક ભાગ બની ગયું છે અને ભારતીય બહાદુરીનું પ્રતીક છે. રિલાયન્સ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એકમ, જિયો સ્ટુડિયોએ તેની ટ્રેડમાર્ક અરજી પરત ખેંચી લીધી છે. આ અરજી એક જુનિયર કર્મચારી દ્વારા પરવાનગી વગર ભૂલથી દાખલ કરવામાં આવી હતી.
ઓપરેશન સિંદૂર પર ગર્વ
કંપનીના નિવેદન અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના તમામ લોકોને 'ઓપરેશન સિંદૂર' પર ખૂબ ગર્વ છે. આ કાર્યવાહી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. આ હુમલો પહેલગામમાં થયો હતો. 'ઓપરેશન સિંદૂર' એ ભારતના બહાદુર સશસ્ત્ર દળોની આતંકવાદ સામેની લડાઈમાં એક ગર્વની ક્ષણ છે. આ લડાઈમાં રિલાયન્સ સંપૂર્ણપણે સરકાર અને સશસ્ત્ર દળોની સાથે છે. કંપનીએ કહ્યું કે તેનું સૂત્ર 'ઇન્ડિયા ફર્સ્ટ' છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા મુજબ "આતંકવાદ સામેની લડાઈમાં રિલાયન્સ સરકાર અને સશસ્ત્ર દળોની સાથે છે.
રિલાયન્સે અરજી ફાઈલ કરી હતી
ઉલ્લેખનીય છે કે રિલાયન્સે ઓપરેશન સિંદૂરના ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની વેબસાઈટ પરની બૌદ્ધિક સંપદા માહિતી અનુસાર, 7 મે, 2025 ના રોજ સવારે 10:42થી સાંજે 6:27 વાગ્યાની વચ્ચે 4 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ ટ્રેડમાર્ક અરજીઓ Nice Classification વર્ગ 41 હેઠળ કરવામાં આવી છે. વર્ગ 41માં શિક્ષણ, મનોરંજન, મીડિયા અને સાંસ્કૃતિક સેવાઓનો સમાવેશ થાય છે. અરજી કરનારાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મુંબઈના મુકેશ ચેતરામ અગ્રવાલ, ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી ગ્રુપ કેપ્ટન કમલ સિંહ ઓબેરોય અને દિલ્હી સ્થિત વકીલ આલોક કોઠારીનો સમાવેશ થાય છે. દરેક અરજીમાં 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ "સૂચિત ઉપયોગ" તરીકે કરવામાં આવ્યો છે.