દેશની છૂટક મોંઘવારીમાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનાના ડેટા જોઈને સરકાર અને રિઝર્વ બેન્કને રાહત મળી શકે છે. આનું એક કારણ છે. દેશની છૂટક મોંઘવારી 4 મહિનાના નીચલા સ્તરે આવી ગઈ છે. સરકારી આંકડા અનુસાર ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાના કારણે ડિસેમ્બરમાં ભારતની છૂટક મોંઘવારી નવેમ્બરમાં 5.48 ટકાથી થોડી ઘટીને 5.22 ટકા થઈ છે.
છૂટક મોંઘવારી વધીને 14 મહિનાની ઊંચી સપાટી 6.2 ટકા પર પહોંચી
ઓક્ટોબરમાં ભારતની છૂટક મોંઘવારી વધીને 14 મહિનાની ઊંચી સપાટી 6.2 ટકા પર પહોંચી હતી, જ્યારે ખાદ્ય ફુગાવો વધીને 10.9 ટકાની 15 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એક સર્વેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ડિસેમ્બરમાં ભારતનો ફુગાવો ઘટીને 5.3 ટકા થઈ શકે છે. જોકે ભાવવધારામાં થોડો ઘટાડો થયો છે, જો આપણે ગ્રામીણ ફુગાવાની વાત કરીએ તો તે નવેમ્બરમાં 9.10 ટકાની સરખામણીમાં ઘટીને 5.76 ટકા થઈ ગયો છે, જ્યારે શહેરી ફુગાવો પાછલા મહિનામાં 8.74 ટકાથી ઘટીને 4.58 ટકા થઈ ગયો છે.
ખાદ્ય ફુગાવામાં થયો ઘટાડો
ડિસેમ્બર મહિનામાં સૌથી મોટી રાહત ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાથી મળી, જે એકંદર ફુગાવાના બાસ્કેટનો લગભગ અડધો ભાગ છે. ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો ઘટીને 8.39 ટકા થયો છે જે અગાઉના મહિનામાં 9.04 ટકા હતો. દેશના CPI બાસ્કેટનો લગભગ અડધો હિસ્સો ધરાવતા ખાદ્ય પદાર્થોના ભાવે તાજેતરના મહિનાઓમાં ફુગાવાનો દર ઊંચો રાખ્યો છે, જે મુખ્યત્વે શાકભાજીના ભાવને કારણે છે. જોકે અનુકૂળ ચોમાસાના ટેકાથી ઉનાળુ પાકનો બમ્પર પાક થવાથી તેમને રાહત મળવા લાગી છે, જેનાથી આગામી મહિનાઓમાં વધુ નરમાઈની આશા જાગી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફુગાવાના ઘટાડાની ધીમી ગતિનું મુખ્ય કારણ ઓક્ટોબરમાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વિલંબિત સુધારો અને ખાદ્ય તેલ અને અનાજ જેવી અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં વધારો છે.