આજે એટલે કે 13 જાન્યુઆરીએ રૂપિયો તેના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે 86.31 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચ્યો છે. આજે ડોલર 86.12 રૂપિયા પર ખુલ્યો, ત્યારબાદ તેમાં આ ઘટાડો જોવા મળ્યો. આ પહેલા 10 જાન્યુઆરીએ ડોલર સામે રૂપિયો 86.04 પર બંધ થયો હતો.


નિષ્ણાંતોના મતે રૂપિયામાં આ ઘટાડો થવાનું કારણ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વેચવાલી છે. આ ઉપરાંત, ભૂ-રાજકીય તણાવની પણ રૂપિયા પર નકારાત્મક અસર પડી છે.

રૂપિયો તૂટવો એટલે શું ?

રૂપિયામાં ઘટાડો થવાનો એ અર્થ છે કે ભારત માટે વસ્તુઓને ઇમ્પોર્ટ કરવી મોંઘી થશે. આ ઉપરાંત વિદેશમાં ફરવુ અને ભણવુ પણ મોંઘુ થઇ ગયુ છે. ધારો કે જ્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 50 હતું ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડોલર મળતો હતો. પરંતુ વિદ્યાર્થીઓએ હવે 1 ડોલર માટે 86.31 રૂપિયા ખર્ચવા પડશે. પરિણામે વિદેશમાં રહીને ભણવુ, ફરવુ અને રહેવુ ભારતીયો માટે મોંઘુ થશે.

જો આપણે તાજેતરના ઘટાડા પર નજર કરીએ તો ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે, રૂપિયો 18 પૈસા ઘટીને 86.04 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જ્યારે આગલા દિવસે પણ તે ડોલર સામે 85.86 પર બંધ થયો હતો. કોઈપણ દેશના ચલણમાં ઘટાડો માત્ર સરકાર પર જ નહીં પરંતુ સામાન્ય જનતા પર પણ પ્રતિકૂળ અસર કરે છે.

કેમ તૂટે છે રૂપિયો ?

રૂપિયો તૂટવાના ઘણા કારણો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં ઘટાડો થવાની શક્યતા સાથે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને સૌથી મોટો હાથ માનવામાં આવી શકે છે. જેણે ન માત્ર બજાર પર દબાણ વધારવાનું કામ કર્યુ પરંતુ રૂપિયા પર પણ અસર કરી છે. મહત્વનું છે કે ડોલર મજબૂત થવાને કારણે વિદેશી રોકાણકારો વિશ્વભરના બજારોમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને અમેરિકન બજારોમાં રોકાણ કરી રહ્યા છે. જો આપણે ભારતની વાત કરીએ તો અહીંના બજારોમાં વેચાણ વધ્યું છે. તેની અસર રૂપિયાના ઘટાડાના રૂપમાં સ્પષ્ટપણે દેખાય છે.

મોંઘવારીનું વધે જોખમ

અહીં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ જ્યારે રૂપિયો ગગડે છે ત્યારે આયાત કરવુ મોંઘુ બને છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે સરકારને વિદેશોમાંથી માલ ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. જેમ કે જો આપણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા પર નજર કરીએ તો ભારત હાલમાં તેની મોટાભાગની ક્રૂડ ઓઇલની જરૂરિયાત (લગભગ 80%) આયાત કરે છે, જ્યારે રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડે છે, ત્યારે ક્રૂડ ઓઇલ આયાત બિલ વધે છે અને સરકારે ચૂકવણી વધારે કરવી પડે છે. તેની અસર એ થાય છે કે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. જો કિંમતો વધે છે તો તેની અસર સામાન્ય લોકો પર ફુગાવાના રૂપમાં થાય છે.

  • Follow us on: