- મિડલ-ઈસ્ટમાં તંગદિલી પાછળ શેરબજારમાં નરમાઈ
- માર્કેટ-કેપમાં રૂ. 3.7 લાખ કરોડનું ધોવાણ
- નિફ્ટી 141 પોઈન્ટ્સ ઘટાડે 19512ની સપાટીએ બંધ
ઈઝરાયેલ પર હમાસના ઓચિંતા હુમલા પાછળ મધ્ય-પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના માહોલ પાછળ સોમવારે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 483 પોઈન્ટ્સ ગગડી 65512ની સપાટીએ જ્યારે નિફ્ટી 141 પોઈન્ટ્સ ઘટાડે 19512ની સપાટીએ બંધ રહ્યાં હતાં.
સોમવારે ભારતીય બજાર ગેપ-ડાઉન ખૂલ્યાં પછી સતત રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. બેંકિંગ, ફાઈનાન્સિયલ્સ, મેટલ્સ, એનર્જી અને ઓટો સેગમેન્ટના શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી. જ્યારે આઈટી, ફર્મામાં ફ્લેટિશ ટ્રેડ જોવા મળતો હતો. બાય બેકના અહેવાલ પાછળ ટીસીએસ બજારને સપોર્ટ આપી શક્યો હતો. શેરબજારમાં નરમાઈ વચ્ચે ક્રૂડ શરૂઆતમાં 4 ટકાથી વધુ ઉછાળો દર્શાવતો હતો. બ્રેન્ટ વાયદો 84.58 ડોલરના ગયા સપ્તાહના બંધ સામે 89 ડોલર આસપાસ ખૂલી 87 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. બજારમાં ઘટાડા પાછળ માર્કેટ-કેપમાં રૂ. 3.68 લાખ કરોડનું ગાબડું પડયું હતું.










