ભારતીય શેરબજારમાં દિવાળીનો ઉત્સાહ હવે સાવ બંધ થઈ ગયો છે. માર્કેટમાં બે દિવસની રજા પછી, આજે 4 નવેમ્બરે સોમવારે કડાકા સાથે કારોબારી સપ્તાહની શરૂઆત થઈ છે. જો કે, માર્કેટ ખુલ્યાને માત્ર 15 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. બજારના આ ઘટાડામાં રોકાણકારોએ 15 મિનિટમાં 5.15 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા.
ભારતીય શેરબજારના બંને મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે. અને વેચવાલી પૂરજોશમાં ચાલી રહી છે. આશરે તમામ શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 330 પોઈન્ટ્સ તૂટ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દિવાળી પછી શેરબજારને કોની નજર લાગી છે?
કોની નજર લાગી?
શેરબજારમાં ભારે કડાકા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે આઈટી શેર્સમાં ભારે ઘટાડાથી આજે વધુ નબળો વેપાર જોવા મળી રહ્યો છે. પરંતુ તેની પાછળનું સૌથી મોટું કારણ યુએસ ચૂંટણી અને યુએસ ફેડની બેઠક છે. અમેરિકામાં આ અઠવાડિયે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના પરિણામ માત્ર અમેરિકા જ નહીં પરંતુ વૈશ્વિક બજારો પર પણ અસર કરશે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પણ રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે.
બીએસઈનું માર્કેટ કેપ ઘટ્યું
અત્યારે સેન્સેક્સની સ્થિતિ સાવ ખરાબ જણાઈ રહી છે અને તે 1040 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 78,683 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 330 પોઈન્ટનો ઘટાડો છે, તે 328 પોઈન્ટના ઘટાડા બાદ 23976 પર ટ્રેડ કરી રહ્યો છે. બજારના ઘટાડા વચ્ચે, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 6.8 લાખ કરોડ ઘટીને રૂપિયા 441.3 લાખ કરોડ થયું હતું.
સૌથી વધુ કડાકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને સન ફાર્મા સેન્સેક્સમાં જોવા મળી રહ્યો છે. આ કંપનીઓના કારણે માર્કેટમાં 420 પોઈન્ટનો ઘટાડો થયો છે. તે જ સમયે, એલએન્ડટી, એક્સિસ બેંક, ટીસીએસ અને ટાટા મોટર્સે પણ ઇન્ડેક્સમાં ઘટાડો કર્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી









