અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો અને 74,956.53 પર ટ્રેડ થઈ રહ્યો છે. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 1160 પોઇન્ટના ઉછાળા સાથે 75,008 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 366.80 પોઇન્ટના વધારા સાથે 22,765.95 અંકે ખૂલ્યો હતો.
ટ્રમ્પે 90 દિવસ માટે ટેરિફ પર રોક લગાવી
મહત્વનું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલે એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરિકા આગામી ત્રણ મહિના સુધી મોટાભાગના દેશોથી થતી આયાત પર નવા ટેરિફ લાદશે નહીં. આ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવા મળી. . આનાથી ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ તબક્કાને વહેલા અંતિમ સ્વરૂપ આપવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે ચીનથી થતી આયાત પર કુલ ડ્યુટી વધારીને 145% કરી દીધી છે. જોકે, કોપર, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા ઉત્પાદનો જેવી કેટલીક શ્રેણીઓને આ વધેલી ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આના કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા છે અને એશિયા-પેસિફિકના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુરુવારે જોરદાર તેજી બાદ આજે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 4.55% ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.66% અને ઓસ્ટ્રેલિયાના એસ એન્ડ પી/એએસએક્સ ૨૦૦માં 1.93%નો ઘટાડો જોવા મળ્યો.
વૈશ્વિક સંકેતો પણ નબળા
બુધવારે યુએસ શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ગુરુવારે એશિયન બજારોની શરૂઆત પણ નબળી રહી હતી. ગુરુવારે મોડી રાત્રે યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ નબળાઈ દર્શાવી હતી. S&P 500 ફ્યુચર્સ 0.99% ઘટ્યા, Nasdaq 100 ફ્યુચર્સ 1.11% ઘટ્યા, અને ડાઉ જોન્સ ફ્યુચર્સ 0.86% ઘટ્યા.
બુધવારે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2.50% ઘટીને 39,593.66 પર બંધ થયો, S&P 500 3.46% ઘટીને 5,268.05 પર બંધ થયો, જ્યારે નાસ્ડેક 4.31% ઘટીને 16,387.31 પર બંધ થયો.