કારોબારી સપ્તાહના અંતિમ એટલે કે શુક્રવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે સવારે 9.30 કલાકે સેન્સેક્સ −746.17 પોઇન્ટના ઘટા઼ડા સાથે 73,866.26 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −220.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,324.15 અંકે ખૂલ્યો હતો. મહત્વનું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ટેરિફ આવતા અઠવાડિયાથી અમલમાં આવશે, જેનાથી બજારો પર દબાણ વધી શકે છે.
બજારમાં ઘટાડા માટે 3 મોટા કારણો
યુએસ ટેરિફ નિર્ણય
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી. આનાથી વૈશ્વિક બજારોમાં દબાણ વધ્યું અને ભારતીય બજાર પર પણ તેની અસર પડી.
FII વેચાણ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારોમાં સતત વેચાણ કરી રહ્યા છે, જેના કારણે ઘટાડો ઝડપથી વધી રહ્યો છે.
ભારતના ત્રીજા ક્વાર્ટર (Q3) GDP ડેટા
દેશના અર્થતંત્રને લગતા નવા ડેટા બહાર પાડવાના છે જેની બજાર પર અસર પડી રહી છે. આનાથી રોકાણકારોમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે.
રોકાણકારોના કરોડોનું નુકસાન
ફેબ્રુઆરી મહિનાએ વિશ્વભરના રોકાણકારોએ રોવાનો વારો આવ્યો છે. મહિનાના છેલ્લા દિવસે પણ બજાર રોકાણકારોને કોઈ રાહત આપી રહ્યું નથી. આજે બજાર ખુલતાની સાથે જ ભારતીય શેરબજારમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયાથી વધુના નાણાંનું ધોવાણ થયુ હતું. એટલું જ નહી શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં કોઈ નિફ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનથી ઉપર જોવા મળ્યો ન હતો. એકંદરે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.46 લાખ કરોડનો ઘટાડો થયો.
ટ્રમ્પના ટેરિફ નિર્ણયની અસર, વૈશ્વિક બજારોમાં ઘટાડો
શુક્રવારે એશિયા-પેસિફિકના શેરબજારોમાં ઘટાડો થયો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ટેરિફ આવતા અઠવાડિયાથી અમલમાં આવશે, જેનાથી બજારો પર દબાણ વધશે.
જાપાનનો નિક્કી 2.76% ઘટ્યો, જ્યારે ટોપિક્સ 1.96% નબળો પડ્યો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.67% અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 2% ઘટ્યો.
ગુરુવારે, ટ્રમ્પે પુષ્ટિ આપી હતી કે કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. તેમણે કહ્યું કે આ દેશો ડ્રગ્સની હેરફેરને રોકવા માટે પૂરતા પગલાં લઈ રહ્યા નથી. આ ઉપરાંત, 4 માર્ચથી ચીન પર પહેલાથી લાદવામાં આવેલા 10% ટેરિફ ઉપરાંત, વધારાનો 10% ટેરિફ લાદવામાં આવશે.
અમેરિકન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. S&P 500 1.59% ઘટ્યો, જ્યારે Nasdaq 2.78% ઘટ્યો. આના પરિણામે Nvidia ના શેરમાં 8.5% નો ઘટાડો થયો. ડાઉ જોન્સ 0.45% ઘટ્યો.
૨૦૨૪ ના ચોથા ક્વાર્ટરમાં યુએસ અર્થતંત્ર ૨.૩% ના દરે વધ્યું, જે છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં સૌથી ધીમું વૃદ્ધિદર છે. નવા બેરોજગારીના ડેટા અનુસાર, ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં નવા બેરોજગારીના દાવાઓ 22,000 વધીને 2,42,000 થયા, જે બે મહિનામાં સૌથી વધુ અને અપેક્ષા કરતા વધુ છે.









