યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.  ફેડની બેઠક પછી, વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી છે, જેના કારણે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી 50 અને સેન્સેક્સ ગુરુવારે એટલે કે 20 માર્ચે વધારા સાથે ખૂલ્યા હતા.  સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા હતા. સેન્સેક્સ +537.21 પોઇન્ટના વધારા સાથે 75,986.26 અંક પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી +151.90 પોઇન્ટના વધારા સાથે 23,059.50 અંક પર ખૂલ્યો હતો. 


 યુએસ સેન્ટ્રલ બેંક ફેડે વ્યાજ દરો સ્થિર રાખ્યા 

મહત્વનું છે કે  યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો ન કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં, ફેડરલ રિઝર્વે વ્યાજ દરો 4.25 - 4.50 ટકાના વર્તમાન સ્તરે જાળવી રાખ્યા છે. 2025 માં સતત બીજી વખત, યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી મહિનામાં પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

બુધવારે બજારની ચાલ કેવી રહી?

બુધવારે સતત ત્રીજા દિવસે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયા. બીએસઈ સેન્સેક્સ 147.79  પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા સાથે 75,449  પર બંધ થયો. NSE નિફ્ટી 50 પણ 73.30 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 22,907.60 પર બંધ થયો.

જોકે, એક દિવસના અંતરાલ પછી FII ફરીથી ભારતીય શેરબજારના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા. તેમણે 19 માર્ચ, 2025 ના રોજ 1,096.50 કરોડ રૂપિયાના શેર વેચ્યા. બીજી તરફ, DII એ 2,140.76 કરોડ રૂપિયાના ભારતીય શેર ખરીદ્યા હતા.