વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બુધવારે (9 એપ્રિલ) ભારતીય શેરબજાર ફરી એકવાર લાલ નિશાનમાં ખુલ્યા. જેમ જેમ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપારી દેશો પર ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી છે, તેમ તેમ બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના વધતા ભયને કારણે, ભારે વેઇટેજ ધરાવતા IT શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સવારે 9.30 કલાકે જો માર્કેટની વાત કરીએ તો, 377 પોઇન્ટના ઘટાડા સાથે  73,849.17 અંકે જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 145 પોઇન્ટના ઘટાડા સાથે 22,390.05 અંકે ખૂલ્યો હતો. 


મંગળવારે બજારમાં રિકવરી જોવા મળી

મંગળવારના ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં, ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, HDFC બેંક અને L&T જેવા હેવીવેઇટ શેરોમાં મજબૂત તેજીને કારણે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 1089.18 પોઈન્ટ અથવા 1.49% ના મોટા ઉછાળા સાથે 74,227 પર બંધ થયો. NSE નિફ્ટી 374.25 પોઈન્ટ અથવા 1.69% વધીને 22,535.85 પર બંધ થયો.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

મંગળવારે યુએસ સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સાથે જોડાયેલા ફ્યુચર્સ 1.2 ટકા ઘટ્યા. નાસ્ડેક 100 ફ્યુચર્સ 1.8 ટકા ઘટ્યા અને S&P 500 ફ્યુચર્સ 1.5 ટકા ઘટ્યા. પાછલા ટ્રેડિંગ સત્રમાં વોલ સ્ટ્રીટ બેન્ચમાર્ક નીચા સ્તરે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.84 ટકા ઘટીને 37,645.59 પર અને S&P 500 પણ 1.57 ટકા ઘટીને 4,982.77 પર બંધ રહ્યો. આ ઉપરાંત, નાસ્ડેક 2.15 ટકા ઘટીને 15,267.91 પર બંધ થયો.

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 225 2.72 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.71 ટકા અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 1.35 ટકા ઘટ્યો હતો.