યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે મંગળવારે (8 એપ્રિલ) એશિયન અને વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મંગળવારે સવારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 5 ટકાથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. સ્થાનિક મોરચે, GIFT નિફ્ટી ફ્યુચર્સ સવારે 7:45 વાગ્યે 22,650 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 390 પોઈન્ટ વધારે છે. ત્યારે ભારતીય શેરબજાર પણ આજે તેજી સાથે ખૂલ્યુ.
તેજી સાથે ખૂલ્યુ માર્કેટ
સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 1,232.23 પોઇન્ટના વધારા સાથે 74,370.13 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 375 પોઇન્ટના વધારા સાથે 22,537.20 અંકે ખૂલ્યો હતો. મહત્વનું છે કે પાછલા ટ્રેડિંગ સત્રમાં, સ્થાનિક શેરબજાર 4 જૂન, 2024 પછીના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 2226.79 પોઈન્ટ અથવા 2.95% ઘટીને 73,137.90 પર બંધ થયો. તેવી જ રીતે, NSEનો નિફ્ટી-50 પણ સોમવારે 742.85 પોઈન્ટ અથવા 3.24% ઘટીને 22,161.60 પર બંધ થયો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
દરમિયાન, સોમવારે યુએસ સ્ટોક ફ્યુચર્સ થોડો વધ્યો. જ્યારે S&P 500 અને ડાઉમાં ઘટાડો જોવા મળ્યો. S&P 500 સાથે જોડાયેલા ફ્યુચર્સ 0.9 ટકા વધ્યા. નાસ્ડેક-૧૦૦ ફ્યુચર્સ લગભગ ૧ ટકા વધ્યા, જ્યારે ડાઉ ફ્યુચર્સ લગભગ ૧.૨ ટકા વધ્યા. અગાઉ, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.91 ટકા ઘટીને 37,965.60 પર બંધ થયો હતો, S&P 500 0.23 ટકા ઘટીને 5,062.25 પર બંધ થયો હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.10 ટકા વધીને 15,603.26 પર બંધ થયો હતો.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 6.31 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 6.81 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.35 ટકા અને સ્મોલ-કેપ કોસ્ડેક 2.15 ટકા વધ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 1.3 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 2 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચીનનો CSI 300 0.35 ટકા વધ્યો હતો.









