વિયેતનામની બિઝનેસ ટાયકૂન ટ્રુઓંગ માઇ લેને વિશ્વનું સૌથી મોટું બેંક કૌભાંડ કર્યું હતું. 22,885 કરોડ રૂપિયાના આ કૌભાંડ બદલ અદાલતે ટ્રુઓંગને સજા-એ-મોતનું એલાન કર્યું છે. ટ્રુઓંગે મોતની સજા સામે કરેલી અપીલ પણ ફગાવી દેવામાં આવી છે ટ્રુઓંગ પાસે હવે બચવા માટે એક જ ઉપાય છે. વિયેતનામમાં એક કાયદો એવો છે કે, જો ફ્રોડના 75 ટકા રકમ ચૂકવી આપવામાં આવે તો ફાંસીની સજા આજીવન કેદની થઇ જાય. ટ્રુઓંગ એ રકમ ચૂકવી શકે એમ નથી! ટ્રુઓંગ માઇ લેન એક એવું નામ છે જેના નામના એક સમયે સિક્કા પડતા હતા. વિયેતનામમાં તેનો પડ્યો બોલ ઝિલાતો હતો. ટ્રુઓંગ ફેશન આઇકોન હતી અને તેને સારું લગાડવા વિએતનામના નેતાઓ અને સેલિબ્રિટિઝથી માંડીને તમામ લોકો પ્રયાસો કરતા હતા. આ મહિલા ટાયકૂન ટ્રુઓંગની જ્યારે દુનિયાના સૌથી મોટા બેંક કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી ત્યારે વિયેતનામ સહિત આખી દુનિયાએ આંચકો અનુભવ્યો હતો. તેનાથી પણ મોટો ખળભળાટ તો ત્યારે થયો હતો જ્યારે વિયેતનામની ચી મિન્હ સિટીની અદાલતે તેને ફાંસીની સજા ફરમાવી હતી. ટ્રુઓંગના કૌભાંડનો આંકડો 22,885 કરોડ જેટલો છે. આ કેસમાં ન્યાયાધીશે એવું કહીને સજા-એ-મોતનું એલાન કર્યું હતું કે, ટ્રુઓંગે દેશને બદનામ અને બરબાદ કર્યો છે. સજાનું એલાન થયું એ પછી પણ એવું મનાતું હતું કે, ટ્રુઓંગ ઉપલી અદાલતમાં અપીલ કરીને બચી જશે. એની વગ જ એટલી હતી કે એ ધારે એ કરી શકે. જો કે, સમય જ્યારે પલટી મારે છે ત્યારે ગમે એવો તાકાતવર માણસ બિચારો બની જાય છે. ટ્રુઓંગ સાથે પણ એવું જ થયું. અદાલતે ટ્રુઓંગની અપીલ રદ કરી નાખી અને ફાંસી સજા કાયમ રાખી છે. ટ્રુઓંગ પાસે હવે બચવાનો માત્ર એક રસ્તો બચ્યો છે. વિયેતનામમાં એવો કાયદો છે કે, કૌભાંડની રકમના 75 ટકા જો જમા કરવામાં આવે તો તેની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી શકે છે. ટ્રુઓંગને નિર્ણય કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ટ્રુઓંગના વકીલે અદાલતમાં એવી માંગણી કરી છે કે, જે રકમ ટ્રુઓંગે ચૂકવવી પડે એમ છે એ બહુ મોટી છે એટલે વધુ સમય મળવો જોઇએ. સમય મળ્યે પણ ટ્રુઓંગ તગડી રકમનો વેંત કેવી રીતે કરશે એ સૌથી મોટો સવાલ છે. માનો કે ગમે તેમ કરીને મેળ પડી જાય તો એ ફાંસીથી બચી જશે પણ તેણે આખી જિંદગી તો જેલમાં જ કાઢવી પડશે. ટ્રુઓંગ 68 વર્ષની થઇ છે. ટ્રુઓંગે એટલા બધાનું કરી નાખ્યું છે કે, એ બહાર નીકળે તો પણ લોકો તેને છોડે એમ નથી. ટ્રુઓંગનું શું થશે એ વિશે આખી દુનિયામાં સતત તર્કવિતર્કો ચાલતા રહે છે. એક સમયે રોડ પર કોસ્મેટિક્સ વેચતી ટ્રુઓંગ સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીની માલિક કેવી રીતે બની એની પાછળ પણ ફિલ્મ કે વેબસીરિઝને ટક્કર મારે એવી કથા છે. વિયેતનામના સાઇ ગોનના એક અત્યંત સાધારણ પરિવારમાં ટ્રુઓંગનો જન્મ થયો હતો. તેની માતા ચી મિન્હ શહેરમાં આવેલી ઐતિહાસિક બેન થાન સ્ટ્રીટમાં સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કામ કરતી હતી. ટ્રુઓંગ જ્યારે ભણતી હતી ત્યારે એ પણ પોકેટ મની માટે સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કામ કરતી હતી. જો કે, બચપણથી જ તેના સપનાઓ બહુ ઊંચા હતા. તેને કદાચ એવું થતું હતું કે, મેળ પડ્યે મારે બધાને બતાવી દેવું છે કે મારી ઔકાત અને તાકાત કેટલી છે! એને કલ્પના નહોતી કે, તેના આવા ઇરાદા જ તેને એક દિવસ ફાંસીના માંચડા સુધી ખેંચી જશે. ટ્રુઓંગ મોકોની તલાશમાં જ હતી ત્યારે જ એની લાઇફમાં એવી વ્યક્તિ આવી જે તેની મુરાદો પૂરી કરી શકે એમ હતી. વર્ષ 1992માં ટ્રુઆંગની મુલાકાત હોંગકોંગ અને વિયેતનામના બિઝનેસમેન એરિક ચૂ નેપ-લેન સાથે થઇ. બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા. એરિકને પણ પોતાનું નામ વધુ પ્રખ્યાત થાય એવા અભરખા હતા. ટ્રુઓંગ અને એરિકે મેરેજ કરી લીધા અને પછી બંનેએ સાથે મળીને બિઝનેસ કરવાનું નક્કી કર્યું. પહેલા તો બંનેએ વિયેતનામમાં હોટલ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો. એમાં સારું એવું કમાયા એ પછી બંનેએ જુદા જુદા બિઝનેસમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. રિયલ એસ્ટેટના બિઝનેસમાં આવ્યા પછી બંનેની કિસ્મત કોઇપણને ઇર્ષા થાય એ રીતે ચમકવા લાગીય ટ્રુઓંગ દેખાવડી હતી અને તેના અવાજમાં પણ એવી માદકતા હતી કે, ભલભલા તેની વાતોમાં આવી જાય. ધીમે ધીમે આ કપલે વિયેતનામના તમામ મોટા માથાઓ સાથે સંબંધો સ્થાપિત કરી લીધા અને પોતાની કરામત શરૂ કરી દીધી. ટ્રુઓંગ અને એરિકે વિયેતનામની બેંકોમાંથી નાણાં લઇને રિયલ એસ્ટેટમાં ઠાલવવાનું શરૂ કર્યું. તેના કારણે જ દેશનું રિયલ એસ્ટેટ સેકટર ધમધમવા લાગ્યું. બંનેની સફળતાની ગાથાઓ આલેખાવા લાગી અને ટ્રુઓંગ દેશની ઓળખ બની ગઇ. એક કૌભાંડમાં એરિકની ધરપકડ થઇ હતી પણ ટ્રુઓંગે પોતાની વગ વાપરીને એરિકને જેલમાંથી છોડાવી લીધો હતો. ટ્રુઓંગ આખા દેશમાં ધારે એ કરી શકે એમ હતી એટલે પતિને બાઇજ્જ્ત બરી કરાવવો તેના માટે બહુ મોટી વાત નહોતી. જો કે, હવે તેને કોઇ છોડાવી શકે એમ નથી. વિયેતનામમાં સૌથી મોટી બેંક એસસીબી એટલે કે સાઇ ગોન જોઇન્ટ સ્ટોક કમર્શિયલ બેંક છે. એસસીબીની સ્થાપના વર્ષ 2012માં નાદારીનો સામનો કરી રહેલી ત્રણ બેંકોનું વિલીનીકરણ કરીને કરવામાં આવી હતી. આ બેંક પર ટ્રુઓંગે કબજો કરી લીધો હતો અને તે બેંકની 91.5 ટકાની માલિક થઇ ગઇ હતી. એક સમયે એવો આવ્યો હતો કે, આ બેંકની 93 ટકા લોન ટ્રુઓંગની રિયલ એસ્ટેટ કંપનીને જ અપાતી હતી. ટ્રુઓંગની કંપની આખા દેશની રિયલ એસ્ટટ સેકટરના ભાવ ધારે એ રીતે વધારી ઘટાડી શકતી હતી. ટ્રુઓંગ પાસે એટલા નાણાં હતા કે એ જેને ધારે એને ખરીદી લેતી હતી. વિયેતનામ આમ પણ કરપ્શનના મામલામાં આખી દુનિયામાં બદનામ છે. નાણાં ફેંકો એટલે તમે ત્યાં ધારો તે કરી શકો છો. વિયેતનામના અસંખ્ય લોકોએ ટ્રુઓંગનો ફાયદો ઉઠાવીને સારા એવા નાણાં કમાયા છે. ટ્રુઓંગનું કૌભાંડ જ્યારે બહાર આવ્યું ત્યારે વિયેતનામ અને હોંગકોંગની રિયલ એસ્ટેટ માર્કેટ હચમચી ગયું હતું. ટ્રુઓંગની ધરપકડ થઇ એ પછી તેણે એવો બચાવ કર્યો હતો કે, હું તો ખાલી આ કંપનીની માલિક છું. કંપનીના નિર્ણયો તો બીજા લોકો જ કરી રહ્યા છે. બધાને ખબર હતી કે, તેની કંપનીમાં તેની મરજી વગર પાંદડું પણ હલતું નથી. ટ્રુઓંગને જ્યારે એ વાત સમજાઇ ગઇ કે, હવે આપણું આવી બન્યું છે ત્યારે એણે રોદણાં રડવાનું પણ શરૂ કર્યું હતું. તેણે એવી વાતો કરી હતી કે, મારાથી આ શું થઇ ગયું? મને ખૂબ અફસોસ થઇ રહ્યો છે. એક તબક્કે તો તેણે એવું પણ કહ્યું કે, મને આપઘાત કરવાના વિચારો આવે છે. મારી સફળતા ઘણા લોકોથી સહન થતી નહોતી એટલે મને કાવતરા ઘડીને ફસાવી દેવામાં આવી છે. ટ્રુઓંગની વાત હવે કોઇ સાંભળે કે માને એમ નથી. એના ભવિષ્ય સામે જે સવાલો લાગેલા છે એના જવાબો સારા નહીં જ હોય એવું મનાઇ રહ્યું છે!