વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે મંગળવારે (25 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો લગભગ સપાટ ખુલ્યા. અઠવાડિયાના બીજા દિવસે, સવારે 9.30 કલાકે સેન્સેક્સ લીલા અને નિફ્ટી લાલ નિશાનમાં નજીવા વધારા ધટાડા સાથે ખૂલ્યા હતા. સેન્સેક્સ 84.98 પોઇન્ટના વધારા સાથે 74,539.38 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −4.90 અંકના ઘટાડા સાથે 22,548.45 અંકે ખૂલ્યો.
બજારની ફ્લેટ શરૂઆત
મંગળવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ અંગેનો નિર્ણય, વૈશ્વિક બજારોના સંકેતો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) નું વલણ સ્થાનિક શેરબજારની દિશા નક્કી કરશે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, BSE સેન્સેક્સ 856.65 પોઈન્ટ અથવા 1.14 ટકા ઘટીને 74,454.41 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 242.55 પોઈન્ટ અથવા 1.06 ટકા ઘટીને 22,553.35 પર બંધ થયો હતો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે એક મહિનાનો સમયગાળો પૂરો થયા પછી કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર ટેરિફ લાદવાની યોજના સાથે આગળ વધશે. તેમણે વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટેરિફ શેડ્યૂલ મુજબ આગળ વધશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અન્ય દેશોએ અમેરિકાનો 'ફાયદો ઉઠાવ્યો' છે. ટ્રમ્પે ટેરિફ લાદવાના પોતાના ઇરાદાને પુનરાવર્તિત કરતા કહ્યું કે, "આપણી પાસે ઘણા બધા ઝોન હશે." મહત્વનું છે કે ટ્રમ્પે 1 ફેબ્રુઆરીએ ઘણા આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. આમાં મેક્સીકન અને કેનેડિયન ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ તેમજ કેનેડિયન ઊર્જા પર 10 ટકા ટેરિફ લાદવાનો સમાવેશ થાય છે.
વૈશ્વિક બજારમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
યુએસ શેરબજારોમાં, નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.2 ટકા ઘટીને બંધ થયો, જ્યારે વોલ સ્ટ્રીટ પર S&P500 રાતોરાત 0.5 ટકા ઘટ્યો. જોકે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.08 ટકા વધ્યો.
મંગળવારે સવારે એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.94 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.52 ટકા, ઓસ્ટ્રેલિયાનો ASX200 0.86 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.8 ટકા ઘટ્યો હતો.