કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે માર્કેટમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સની વાત કરીએ તો, સેન્સેક્સ 580 પોઇન્ટના ઘટાડા સાથે 76,798 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 180.75 પોઇન્ટના ઘટાડા સાથે 23,250 અંકે ખૂલ્યો હતો. ફુગાવાના ડેટા અંગે અનિશ્ચિતતા, નબળા વૈશ્વિક સંકેતો અને ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY25) ના પરિણામોને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
શું કહે છે વૈશ્વિક સંકેતો ?
એશિયા-પેસિફિક બજારોએ સપ્તાહની શરૂઆત નબળી રહી છે. શુક્રવારે મજબૂત યુએસ જોબ ડેટા પછી ફેડરલ રિઝર્વ દ્વારા પ્રારંભિક દર ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.84% ઘટ્યો અને કોરિયાનો કોસ્પી પણ 0.4% ઘટ્યો. આજે રજાના કારણે જાપાની બજારો બંધ હતા.
ચીનના વેપાર ડેટા આજે આવશે
ચીન આજે ડિસેમ્બરના વેપાર ડેટા જાહેર કરશે. તે જ સમયે, રોકાણકારો ચીની બોન્ડ યીલ્ડ પર નજર રાખી રહ્યા છે. ગયા શુક્રવારે, ચીનની સેન્ટ્રલ બેંકે સરકારી બોન્ડ ખરીદવાનું બંધ કરી દીધું, જેના કારણે 10 વર્ષના સરકારી બોન્ડ યીલ્ડ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયા.
ગયા અઠવાડિયે ડોલર સામે ઓનશોર યુઆન 16 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરથી ઓફશોર યુઆનમાં ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે, ચીનનો CSI 300 ઇન્ડેક્સ સપ્ટેમ્બર 2024 પછીના સૌથી નીચા સ્તરે બંધ થયો.
આ અઠવાડિયે ઘણા મોટા આર્થિક અપડેટ્સ આવવાના છે. બુધવારે યુએસ ફુગાવાના દરના આંકડા જાહેર કરવામાં આવશે. દક્ષિણ કોરિયાની સેન્ટ્રલ બેંક ગુરુવારે મળશે. ચીન શુક્રવારે તેના ચોથા ક્વાર્ટરના GDP, છૂટક વેચાણ અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા જાહેર કરશે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના ડિસેમ્બર મહિનાના બેરોજગારી દરના આંકડા પણ જાહેર કરવામાં આવશે.
શુક્રવારે અમેરિકાના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 1.63%, S&P 500 1.54% અને Nasdaq 1.63 % ઘટીને બંધ થયા. ડિસેમ્બરમાં અમેરિકાએ 2,56,000 નવી નોકરીઓ ઉમેરી, જે 1,55,000 ના અંદાજ કરતાં ઘણી વધારે છે. બેરોજગારી દર પણ ઘટીને 4.1% થયો. આ મજબૂત રોજગાર ડેટાને કારણે ટ્રેઝરી યીલ્ડ વધુ થઈ ગઈ, જેમાં 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ 2023 ના અંત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ.