કારોબારી સપ્તાહના બીજા દિવસ એટલે કે મંગળ વારે શેરબજારની શરૂઆત અમંગળ રહી.  સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 77,118.43 અંક સાથે −193.37 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યુ જ્યારે નિફ્ટી 23,311.10 અંક સાથે −70.50 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યું હતું. 

આજે ત્રીજા ક્વાર્ટરના પરિણામો

વોડાફોન આઈડિયા, લ્યુપિન, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, બિરલાસોફ્ટ અને બર્જર પેઇન્ટ્સ સહિત અન્ય કંપનીઓ આજે તેમના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. રોકાણકારો આઇશર મોટર્સ, નાયકા અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય કંપનીઓના કમાણી પર પણ પ્રતિક્રિયા આપશે.

વૈશ્વિક બજારો

વોલ સ્ટ્રીટના વધારાને પગલે મંગળવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા હતા, કારણ કે રોકાણકારોએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઝુંબેશને અવગણી હતી. સોમવારે, ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની યુએસ આયાત પર 25 ટકા ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. સોમવારે અમેરિકાનો ડાઉ જોન્સ 0.38 ટકા વધ્યો. S&P 500 0.67 ટકા અને Nasdaq 0.98 ટકા વધ્યા.

વિદેશી રોકાણકારોએ વેચાણ ચાલુ રાખ્યું

સ્થાનિક શેરબજારોમાંથી વિદેશી રોકાણકારો (FII) દ્વારા વેચવાલી ચાલુ છે. 10 ફેબ્રુઆરીના રોજ, FII એ રૂ.2,463.72 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે DII એ રૂ.1,515 કરોડના શેર ખરીદ્યા હતા.