સોમવારે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીએ તો રફતાર પકડી લીધી. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 600 પોઇન્ટની તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી પણ 25 હજારને પાર પહોંચી ગયો હતો. આ તરફ શેરમાર્કેટમાં તેજી આવી અને પેલી તરફ અનિલ અંબાણીને તો ધનવર્ષા થઇ ગઇ.

30 શેરોવાળો બીએસઈ ઇન્ડેક્સ સેન્સેક્સ 81,928 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે થોડી જ વારમાં તે સવારે 9.30 વાગ્યા પહેલા 82, 397 પોઈન્ટની ટોચે પહોંચી ગયો. શુક્રવારે સેન્સેક્સ 81,721 અંક પર બંધ થયો હતો.

NSEના 50 શેરના સૂચકાંક, નિફ્ટી 50 પર પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. નિફ્ટી 24,919.35 પોઈન્ટ પર ખુલ્યો અને સવારે 9.30 વાગ્યા પહેલા તે 25,055.95 પોઈન્ટના ઉચ્ચ સ્તરને પણ સ્પર્શ્યો. જ્યારે શુક્રવારે નિફ્ટી 24,853.15 પોઈન્ટ પર બંધ થયો હતો.

શેરબજારમાં તેજી કેમ ? 

મહત્વનું છે કે ભારત જાપાનને પછાડીને વિશ્વનુ સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ જે બાદ બજારમાં તેજી જોવા મળી રહી છે. દેશના અર્થતંત્રને લઇને આવેલા પોઝિટીવ સમાચારની અસરે રોકાણકારોનો આત્મવિશ્વાસ વધાર્યો છે. આ ઉપરાંત ગ્લોબલ માર્કેટના સારા સંકેતોને કારણે પણ માર્કેટમાં તેજી જોવા મળી..

એપલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને અવગણીને ભારતમાં રોકાણ જાળવી રાખવા અને આઇફોનનું ઉત્પાદન ચાલુ રાખવાના સમાચારથી બજારને ભારતના ભવિષ્ય અંગે સકારાત્મક સંકેત મળ્યો. ટ્રમ્પના ટેરિફ ધમકીની અસર ઓછી થઈ. આનાથી બજાર પણ મજબૂત બન્યું. આ ઉપરાંત એશિયન બજારોમાં પણ હરિયાળી જોવા મળી. જાપાનનો નિક્કી 225 ગ્રીન ઝોનમાં ખુલ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીએ પણ 0.55 ટકાના વધારા સાથે શરૂઆત કરી.

રિલાયન્સ પાવરના શેરનો વધ્યો ભાવ

શેરબજારમાં આ તેજીનો ફાયદો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરના ભાવમાં જોવા મળ્યો. શરૂઆતના ટ્રેડિંગમાં જ કંપનીનો શેર 4 ટકાથી વધુ વધીને રૂ. 54.04 પ્રતિ શેર પર પહોંચી ગયો. પરિણામે કંપનીનું બજાર મૂડીકરણ પણ 21,792.07 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. શુક્રવારે રિલાયન્સ પાવરના શેર પ્રતિ શેર રૂ. 51.90 પર બંધ થયા. આમ રિલાયન્સ પાવરના રોકાણકારોએ 15 મિનિટથી ઓછા સમયમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.