વૈશ્વિક બજારો અને અમેરિકાની ટેરિફની જાહેરાતને કારણે રોકાણકારોમાં ઉત્તેજના વધી છે. વિદેશી રોકાણકારોની સતત ઉપાડ અને અમેરિકાના વેપાર યુદ્ધની વધતી જતી આશંકાઓ વચ્ચે મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.

2 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો ઘટાડો

કારોબારી સપ્તાહના સતત બીજા દિવસે મંગળવાર શેરબજાર માટે અશુભ સાબિત થઈ રહ્યો છે. રિલાયન્સ, HDFCથી લઈને અદાણી સુધીની તમામ મોટી કંપનીઓના શેરોને ભારે ફટકો પડી રહ્યો છે. આ ક્રેકડાઉનમાં રોકાણકારોએ 5 કલાકમાં 10 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમા સત્રમાં ઘટ્યા

વૈશ્વિક બજારો અને અમેરિકાની ટેરિફની જાહેરાતને કારણે રોકાણકારોમાં ઉત્તેજના વધી છે. તેવામાં વિદેશી રોકાણકારોની સતત ઉપાડ અને અમેરિકાના વેપાર યુદ્ધની વધતી આશંકા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમા સત્રમાં ઘટી રહ્યા છે.

આ શેરોમાં નોંધાયો સૌથી મોટો ઘટાડો 

સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓની વાત કરીએ તો પાવર ગ્રીડ, ઝોમેટો, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ઈન્ફોસિસ, એચસીએલ ટેક, મારુતિ અને આઈટીસીના શેર નફામાં હતા.

વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગના હેંગસેંગમાં ઘટાડો રહ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં રહ્યો હતો. સોમવારે અમેરિકન બજારો સકારાત્મક વલણ સાથે બંધ થયા છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.26 ટકા વધીને $76.07 પ્રતિ બેરલ થયું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સોમવારે વેચનાર હતા અને તેમણે રૂ. 2,463.72 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

જાણો રૂપિયાની સ્થિતિ વિશે

મંગળવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 61 પૈસા વધીને 86.84 પર પહોંચ્યો હતો. વેપાર યુદ્ધના વધતા ભયને કારણે વ્યાપક આર્થિક અનિશ્ચિતતા વધી છે, જેની વૈશ્વિક ચલણ બજારો પર નોંધપાત્ર અસર પડી છે. આ ઉથલપાથલ વચ્ચે સોમવારે રૂપિયો 88ના સ્તરની નજીક પહોંચી ગયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, ડોલર સામે રૂપિયો 87.45 પર ખૂલ્યો હતો અને પછી સવારના વેપારમાં યુએસ ચલણ સામે 86.84 થયો હતો. જે અગાઉના બંધ ભાવથી 61 પૈસાનો વધારો દર્શાવે છે જે સોમવારે 87.45 પર બંધ થયો હતો.