- 6 મહિનાની ગર્ભવતી મહિલા કર્મચારી શેનન લૂ એ મસ્કની સુનામીમાં નોકરી ગુમાવી
- ટ્વિટરે હાલમાં શેનન લૂના એકાઉન્ટમાંથી કરવામાં આવેલી આ ટ્વિટ્સને ડિલીટ કરી દીધી
- શેનન અગાઉ ફેસબુકની મેટા કંપનીમાં કામ કરતા હતા
ટ્વિટરમાં ઓપરેશન ક્લીન ચલાવતા કંપનીના નવા બોસ એલન મસ્ક ફરીથી કોર્ટ-કચેરીના ચક્કરમાં પડી શકે છે. વાસ્તવમાં એક સગર્ભા મહિલા કે જેને તાજેતરમાં નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા, તેમણે નોકરી ગુમાવ્યા બાદ પોતાની ટ્વિટમાં લખ્યું, 'કોર્ટમાં મળીશું!' જોકે, ટ્વિટરે હાલમાં શેનન લૂના એકાઉન્ટમાંથી કરવામાં આવેલી આ ટ્વિટ્સને ડિલીટ કરી દીધી છે.
કમાન સંભાળતા જ મસ્કે કેચી ચલાવી
ટ્વિટર ડીલ ભલે ફાઇનલ થઇ ગઇ હોય અને તેના નવા હેડ એલન મસ્ક ભલે બની ગયા હોય. પરંતુ આ ડીલમાં આવેલા ઉતાર-ચઢાવ દરમિયાન મસ્ક પણ કોર્ટના ચક્કરમાં ફસાઈ ચૂકયા છે અને ડેલાવેર કોર્ટના આદેશ હેઠળ તેણે હાલની શરતો અનુસાર આ ડીલ પૂર્ણ કરવી પડી. કંપનીની કમાન હાથમાં આવતાની સાથે જ તેણે તાબડતોડ છટણી શરૂ કરી દીધી અને સૌથી પહેલા કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ ટોચના અધિકારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો હતો.
છટણીનો ભોગ બનેલ શેનેન લૂ એ સમ ખાધા
એલન મસ્ક અહીંથી અટક્યા નહીં અને ટ્વિટર ઇન્કના અડધા સ્ટાફ પર કાતર ચલાવી. હાલમાં કંપનીમાં માત્ર 3700 કર્મચારીઓ જ કામ કરી રહ્યા છે. આ દરમિયાન 6 મહિનાની ગર્ભવતી મહિલા કર્મચારી શેનન લૂ એ એલન મસ્કની સુનામીમાં નોકરી ગુમાવી દીધી છે. ત્યારબાદ તેમણે પોતાનો ગુસ્સો ઠાલવવા ટ્વિટરનો સહારો લીધો અને એક પછી એક ટ્વિટ કરીને ટ્વિટરના નવા બોસને કોર્ટમાં જોવાની વાત કહી. ટ્વિટર પર ડેટા સાયન્સ મેનેજરનો હોદ્દો સંભાળતા શેનન લૂએ એલન મસ્ક સામે દાવો માંડવાની ધમકી આપી છે અને તે અંગે સમ ખાધા.
પ્રેગ્નેન્ટ લૂએ એક સાથે અનેક ટ્વીટ કર્યા
ડેઇલીમેલના અહેવાલ અનુસાર, અગાઉ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં કામ કરી ચૂકેલા શેનન લૂ એ જાન્યુઆરી 2022માં જ ટ્વિટરમાં એન્ટ્રી કરી હતી. જો કે, તે સ્પષ્ટ નથી કે શું તે ખરેખર ટ્વિટર પર કેસ કરશે? તેના એકાઉન્ટમાંથી તેણે ઘણી ટ્વીટ હટાવી દીધી છે. પરંતુ ઈન્સાઈડરને ટાંકીને રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર શેનન લૂ એ ટ્વીટમાં લખ્યું, 'મારી ટ્વિટર સફર એવા સમયે સમાપ્ત થઈ છે જ્યારે હું 6 મહિનાની ગર્ભવતી છું, હું રજા પર છું.' લૂએ આગામી ટ્વીટમાં લખ્યું, 'તમારા બધા સાથે કામ કરવું ખૂબ જ સારું રહ્યું. આ ડેટા સાયન્સ ટીમનું નેતૃત્વ કરવા માટે હું ખૂબ જ આભારી છું, આ એક મજેદાર યાત્રા રહી #LoveWhereYouworked
ટ્વિટર પર ભેદભાવનો આરોપ
શેનન લૂ એ તેના એક ટ્વિટમાં લખ્યું, 'અહીં ચોક્કસપણે ભેદભાવ છે, તેથી હું તેની સામે લડીશ. હું પાછલા ત્રિમાસિક ગાળામાં સારો દેખાવ કરી રહી છું અને હું એ હકીકતથી વાકેફ છું કે અન્ય પુરૂષ મેનેજરો મારા જેવા રેટિંગ ધરાવતા નથી. પછી તેણે લખ્યું, 'કોર્ટમાં મળીશું.'
ઉલ્લેખનીય છે કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં પોતાનું બનાવ્યા પછી એલન મસ્કે ગયા શુક્રવારે લગભગ 50 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. જો કે ત્યારબાદ તરત જ તેણે કેટલાક કર્મચારીઓને કામ પર પાછા ફરવાની અપીલ પણ કરી હતી.
અન્ય મહિલાઓએ ભડાસ કાઢી
શેનન લૂ એકમાત્ર મહિલા નથી જેને તેના મુશ્કેલ સમયમાં એલન મસ્કના ટગ-ઓફ-વોરનો શિકાર બનવું પડ્યું હોય. તાજેતરમાં, ટ્વિટરમાં કામ કરતી એક મહિલા રશેલ બોન જે 8 મહિનાની ગર્ભવતી છે તેણે પણ ટ્વિટર પરથી હટાવ્યા બાદ ટ્વિટર પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. સાન ફ્રાન્સિસ્કો ઓફિસમાં કન્ટેન્ટ માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું. તેણીએ તેના હાથમાં તેના નવ મહિનાના બાળકનો ફોટો શેર કર્યો અને પોસ્ટ કર્યું, 'Twitter ખરેખર Twitter હતું.'









