હાઉસિંગ લોન ઉપર ચૂકવવાપાત્ર રૂ. 2 લાખ સુધીના વ્યાજ સંબંધી વિશિષ્ટ કપાત
અંગત રહેઠાણ માટેની એક મકાન-મિલકત, જેનું વાર્ષિક મૂલ્ય 'શૂન્ય' ગણાતું હોય, તેના સંદર્ભમાં કોઈ કપાત બાદ આપવાની જોગવાઈ નથી. પરંતુ આ સંબંધી કરાયેલા વિશેષ અપવાદ અનુસાર, જો કરદાતાએ પોતાના અંગત રહેઠાણ માટેનું મકાન ખરીદવા કે બાંધવા માટે, લોન લીધી હોય, તેમજ લોન લીધાના નાણાકીય વર્ષના અંતથી પાંચ વર્ષની અંદર આવા મકાનની ખરીદી કે બાંધકામ પૂર્ણ કરાયેલ હોય, તો આવી હાઉસિંગ લોન ઉપર ચૂકવવાપાત્ર વ્યાજ, કરદાતાને વાર્ષિક રૂ. 2,00,000 (નાણાકીય વર્ષ 201 3-14 સુધી રૂ. 1,50,000)ની મર્યાદામાં કપાત તરીકે બાદ આપવાની ખાસ રાહતકારક જોગવાઈ આવકવેરાના કાયદાની કલમ 24 હેઠળ કરવામાં આવી છે.
કલમ 24 અન્વયે કરાયેલા સુધારા અનુસાર એવી પણ જોગવાઈ કરવામાં આવી છે, કે વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાતું હોય, તેવા બંને મકાનો સંબંધી કુલ મળીને રૂ. 2 લાખની મર્યાદામાં કપાત મળી શકશે. દૃષ્ટાંત સ્વરૂપે જો કરદાતા તેના પ્રથમ મકાન ઉપર વ્યાજની ચુકવણીનો રૂ. 1 .20 લાખનો લાભ મેળવતો હોય, તો બીજા મકાન સંબંધી તે રૂ. 80 હજારની મર્યાદામાં, એમ કુલ મળીને રૂ. 2 લાખથી વધે નહીં તેમ, કપાતનો લાભ મેળવી શકશે.
રિપેર કે રિકન્સ્ટ્રક્શન માટે લીધેલ લોન ઉપર ચૂકવવાપાત્ર વ્યાજ સંબંધી રૂ. 30,000 સુધીની કપાતનો લાભ
આવકવેરાના કાયદાની કલમ 24 હેઠળ મકાનની ખરીદી કે બાંધકામ માટેની લોન ઉપર ચૂકવવાપાત્ર વ્યાજ સંબંધી કપાતની જોગવાઈ આકારણી વર્ષ 2000-01 થી દાખલ કરવામાં આવી, તે અગાઉ કલમ 24ની જોગવાઈ અનુસાર મકાનની ખરીદી કે બાંધકામ ઉપરાંત સમારકામ, નવીનીકરણ કે પુનઃ બાંધકામ (repair, renewal or reconstruction) માટે લેવામાં આવેલી લોન ઉપર ચૂકવવાપાત્ર વ્યાજ રૂ. 30,000ની મર્યાદામાં કપાત સ્વરૂપે બાદ આપવાની જોગવાઈ હતી.
આ જોગવાઈ હજુ પણ પ્રવર્તમાન હોઈ, કરદાતા તેના મકાનના રિપેર કે રિકન્સ્ટ્રક્શન માટે પણ લોન લઈને, તેના ઉપર ચૂકવવાપાત્ર રૂ. 30,000 સુધીના વ્યાજની કપાતનું આયોજન કરી શકે.
વ્યાજની કપાતનો મહત્તમ લાભ મેળવવાના સંદર્ભમાં કેટલાક મહત્ત્વના મુદ્દા
વ્યાજ સંબંધી આ વિશિષ્ટ કપાતનો લાભ મેળવવાના હેતુસર નીચે જણાવેલા મહત્ત્વના મુદ્દાઓ ખ્યાલમાં રાખવા જરૂરી છે :
* લોન ઉપરનું વ્યાજ 'ચૂકવવાપાત્ર' (Payable) હોય તેના આધારે મળવાપાત્ર હોઈ, કરદાતાએ આવું વ્યાજ વર્ષ દરમિયાન 'ખરેખર ચૂકવ્યું હોય' (Actually paid) તે જરૂરી નથી. અલબત્ત, વ્યાજ સંબંધી કપાતનો લાભ મેળવવાના હેતુસર કરદાતાએ જેને વ્યાજ ચૂકવ્યું હોય કે ચૂકવવાપાત્ર હોય તેવા શખ્સ પાસેથી પુરાવા સ્વરૂપે સર્ટિફિકેટ લઈ તેના આવકવેરા રિટર્ન સાથે બિડવું જરૂરી છે.
* સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડના તારીખ 20-8-1969ના પરિપત્ર નંબર-28માં કરવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર પોતાનું મકાન બાંધવા કે ખરીદવા માટે લીધેલી મૂળ લોનને ચૂકવવા માટે જો કરદાતા બીજી લોન લે તો આવી નવી લોન ઉપર તેને ચૂકવવાનું થતું વ્યાજ પણ કપાત તરીકે બાદ મળવાપાત્ર ગણાશે.
* સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડના તારીખ 24-6-1983ના પરિપત્ર નંબર-363માં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને 'હાઉસ બિલ્ડિંગ અડવાન્સ રૂલ્સ' હેઠળ અપાતી હાઉસિંગ લોન ઉપરનું વ્યાજ, તે ખરેખર અમુક વર્ષો પછી ચૂકવવાની જવાબદારી હોવા છતાં આવકવેરાના હેતુસર તેને શરૂઆતના વર્ષથી જ ચૂકવવાપાત્ર વ્યાજના ધોરણે મજરે આપવામાં આવશે.
* હાઉસિંગ લોન ઉપરના વ્યાજ સંબંધી કપાત, સંબંધિત મકાનની ખરીદી કે બાંધકામ પૂર્ણ થયું હોય તે વર્ષથી શરૂ કરીને મજરે મળવાપાત્ર છે, પરંતુ ખરીદી/બાંધકામ પૂર્ણ થાય તેની અગાઉના વર્ષ કે વર્ષોમાં ચૂકવાયેલ વ્યાજની રકમ પણ ખરીદી/બાંધકામ પૂર્ણ થયાના વર્ષથી શરૂ કરીને પાંચ સરખા વાર્ષિક હપતાઓમાં બાદ આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે. અલબત્ત, આ કપાતનો લાભ કલમ 24 હેઠળ નિર્દિષ્ટ રૂ. 2,00,000ની મર્યાદાને આધીન રહેશે.
કલમ 80-સી હેઠળ પણ બાદ મળી શકતી વિશિષ્ટ કપાતની જોગવાઈ
આવકવેરાના કાયદાની કલમ 80સી હેઠળ, સરકાર, બૅન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે જીવન વીમા નિગમ, હાઉસિંગ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી જાહેર કંપની અથવા કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી કરદાતાએ લીધેલ હાઉસિંગ લોન અથવા જાહેર કંપની, કો-ઓપરેટિવ સોસાયટી, યુનિવર્સિટી કે કૉલેજના કર્મચારી તરીકે કરદાતાએ તેના માલિક પાસેથી લીધેલ હાઉસિંગ લોનના હપતાની કરેલ ચુકવણી, તેમજ મકાન-મિલકત પોતાના નામે કરવા માટે કરદાતાએ સ્ટેમ્પ ડયૂટી, રજિસ્ટ્રેશન ખર્ચ વગેરેની કરેલી ચુકવણી સંબંધી, આ કલમ હેઠળ માન્ય અન્ય રોકાણો તેમજ ખર્ચની સાથે રૂ. 1,50,000ની મર્યાદામાં કપાતનો લાભ મળી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.