શેરબજારમાં ખુલ્યાના થોડા જ સમયમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટ ઘટીને 78,775 પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ  341 પોઈન્ટ ઘટીને  23905 પર પંહોચ્યો. આજે શેરબજારની સપાટ શરૂઆત થઈ હતી. જેના બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો અને NSE પર 2811 શેર ટ્રેડ થઈ રહ્યા છે. આમાંથી, 2456 લાલ નિશાનમાં છે. ફક્ત 296 પાસે લીડ છે. આજે લોઅર સર્કિટમાં શેરોની સંખ્યા પણ 100 ને વટાવી ગઈ છે. આજે શેરબજાર ખુલ્યાના થોડા સમયમાં જ મોટો ઘટાડો થવાનું કારણ પહેલગામ આંતકવાદી હુમલાને માનવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે 22 મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 27 લોકો માર્યા ગતા અને અનેક પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આતંકી હુમલાને લઈને ભારતે પણ આકરા પગલા લીધા હતા. જેના બાદ ભારત અને પાકિસ્તાનના સંબધો વણસી ગયા હતા. હાલમાં દેશમાં પાકિસ્તાન પ્રત્યે ભારે રોષનું વલણ જોવા મળી રહ્યું છે. બંને દેશો વચ્ચે સામાજિક અને ખાસ કરીને રાજનૈતિક સંબંધો વણસી ગયા. પહેલગામ હુમલાની આજે શેરબજાર પર અસર જોવા મળી.

શેરબજારમાં આજે બીએસઈ (BSE) સેન્સેક્સ 79,968.61ના સ્તર પર ખૂલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટીમાં બજારના આરંભે 24289ના સ્તર પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સ 28 પોઈન્ટના નજીવા વધારા સાથે 79,968.61 પર ખુલ્યો હતો. જ્યારે, નિફ્ટીએ શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆત 42 પોઈન્ટના વધારા સાથે 24289ના સ્તરે શરૂઆત કરી હતી પરંતુ બજારના આરંભના થોડા જ સમયમાં મોટા કડાકો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. સંભવત તેની અસર શેરબજાર પર જોવા મળે.