મંગળવારે શેરબજાર માટે અમંગળ સાબિત થયો છે. સવારે લાલ નિશાનમાં માર્કેટ ખૂલ્યા બાદ બપોરે 3.30 કલાકે પણ માર્કેટ લાલ નિશાનમાં જ બંધ થયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ક્લોઝ થયો. 11 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો થયો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાનો ઘટાડો થયો. આ સતત પાંચમો દિવસ છે જ્યારે બંને સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નાના અને મધ્યમ કદના શેરોમાં ભારે નુકસાન થયું. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 3.5 ટકાનો ઘટાડો થયો. બધા સેક્ટોરલ સૂચકાંકો પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.
માર્કેટ ક્રેશ
બપોરે 3.30 કલાકે શેરમાર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 1018 પોઇન્ટના ઘટાડા સાથે 76,293 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 309.80 પોઇન્ટના ઘટાડા સાથે 23,071 અંકે બંધ થયો. બપોરે 12 વાગ્યાની આસપાસની વાત કરીએ તો સેન્સેક્સ લગભગ 1,200 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 76,100 પર બંધ રહ્યો. નિફ્ટી લગભગ 350 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 23,000 ની નીચે ગયો હતો.
આ શેર ઘટ્યા
સેન્સેક્સની 30 કંપનીઓમાં, ઝોમેટો, પાવર ગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) ના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને ટ્રેડિંગ દરમિયાન 2.2 % નો ઘટાડો થયો. એનએસઈ પર આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સના શેર 6 ટકાથી વધુ ઘટ્યા. આ ઉપરાંત, શ્રીરામ ફાઇનાન્સ 4 ટકાથી વધુ ઘટ્યા, ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL) અને HDFC લાઇફ 3-3 ટકાથી વધુ ઘટ્યા અને ટોચના 5 લૂઝર્સ રહ્યા.