એશિયન બજારોમાં તેજીના વલણ વચ્ચે મંગળવારે (8 એપ્રિલ) ભારતીય શેરબજારો મજબૂત વધારા સાથે ખુલ્યા. ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ, HDFC બેંક અને L&T જેવા હેવીવેઇટ શેરોમાં મજબૂત તેજીને કારણે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. ત્યારે મંગળવારે બપોરે 3.30 કલાકે પણ શેરબજાર લીલા નિશાને જ બંધ થયુ. સેન્સેક્સ 1089 પોઇન્ટના વધારા સાથે 74,273 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 374 પોઇન્ટના વધારા 22,535.85 અંકે બંધ થયો.
સોમવારે શું હતી સ્થિતિ ?
પાછલા ટ્રેડિંગ સત્રમાં, સ્થાનિક શેરબજાર 4 જૂન, 2024 પછીના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 2226.79 પોઈન્ટ અથવા 2.95% ઘટીને 73,137.90 પર બંધ થયો. તેવી જ રીતે, NSEનો નિફ્ટી-50 પણ સોમવારે 742.85 પોઈન્ટ અથવા 3.24% ઘટીને 22,161.60 પર બંધ થયો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન પર દબાણ વધાર્યું અને ડ્રેગન કન્ટ્રીને પારસ્પરિક ટેરિફ પાછો ખેંચવા કહ્યું. તાજેતરના અહેવાલો અનુસાર, ચીન ટ્રમ્પની વ્યૂહરચના સામે મક્કમતાથી ઊભા રહેવાની યોજના ધરાવે છે.
વ્યાજ દરો અંગે RBIના નિર્ણયની રાહ
વૈશ્વિક બજારની ગતિવિધિઓ ઉપરાંત, રોકાણકારો આવતીકાલે યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. રોકાણકારો ભારતીય કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો અને આ અઠવાડિયે જાહેર થનારા મેક્રોઇકોનોમિક ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.