શેરબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 323 પોઇન્ટના ઘટાડા સાથે 73,904 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 115.6 પોઇન્ટના ઘટાડા સાથે 22,420 અંક પર બંધ થયો. જેમ જેમ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપારી દેશો પર ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી છે, તેમ તેમ બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના વધતા ભયને કારણે, ભારે વેઇટેજ ધરાવતા IT શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. ટ્રમ્પ દ્વારા ફાર્મા સેક્ટર પર ટેરિફની જાહેરાતને કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે. આના કારણે, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2% ઘટ્યો.
RBI એ રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.0% કર્યો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવાર, 9 એપ્રિલના રોજ પોલિસી રેટ રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને 6.0% કરવાની જાહેરાત કરી. તેની છેલ્લી બેઠક (7 ફેબ્રુઆરી) માં, RBI એ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6.25 % કર્યો હતો. ત્યારથી, કડક યુએસ ટેરિફને કારણે આર્થિક અનિશ્ચિતતા વધી છે. આનાથી કેન્દ્રીય બેંક તરફથી વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધી ગઈ.
ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ લાદ્યો
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ વેપાર તણાવ હવે વધુ ઊંડો બની શકે છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા બુધવાર (8 એપ્રિલ) ના રોજ પૂર્વીય સમય મુજબ રાત્રે ૧૨:૦૧ વાગ્યા (0401 GMT) થી ચીન પર 104 ટકા ટેરિફ લાદશે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે તેના એક અહેવાલમાં આ માહિતી આપી છે. આ નિર્ણય અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર વિવાદને વધુ વધારી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ચીન જેવા કેટલાક દેશો અમેરિકા સાથે અન્યાયી વેપાર કરી રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં, ટ્રમ્પે વારંવાર વિદેશી દેશો પર અમેરિકન માલ પર ભારે કર લાદવાનો અને અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.