ગુરુવારે ૩ એપ્રિલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતથી અમેરિકામાં થતી આયાત પર 27 ટકા ટેરિફ દરની જાહેરાત કર્યા બાદ ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. ટ્રમ્પની જાહેરાત પછી, એશિયન બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને તેની અસર સ્થાનિક બજારો પર પણ પડી.
લાલ નિશાનમાં માર્કેટ બંધ
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ઘટાડા સાથે ખૂલ્યો. જયારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સમાં ઘટાડો યથાવત જોવા મળ્યો. સેન્સેક્સ 322 પોઇન્ટના ઘટાડા સાથે 76,265.29 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 90 પોઇન્ટના ઘટાડા સાથે 23,242.00 અંક પર બંધ થયો.
આઇટી શેરોમાં ઘટાડો
ટ્રમ્પે ભારત સહિત 180 દેશો પર નવા ટેરિફ લાદવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. પરિણામે યુએસ બજાર પર ભારે નિર્ભર સ્થાનિક IT કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. ટીસીએસ સૌથી વધુ લુઝર રહ્યો, જેમાં 4% થી થોડો વધુ ઘટાડો થયો. HCL ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રાના શેરમાં પણ 4%નો ઘટાડો થયો.
નિફ્ટી ફાર્મામાં મજબૂત તેજી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર 26 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ફાર્માસ્યુટિકલ શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. આનું કારણ એ છે કે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને પારસ્પરિક ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. દિવસ દરમિયાન નિફ્ટી ફાર્મા 4.9 ટકા વધ્યો અને 21,996.6 ની ઊંચી સપાટીએ પહોંચ્યો.