આજે બજારના આરંભે સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અત્યારે બજાર બંધ થવાના સમયે પણ BSE સેન્સેક્સ 80,334.81 ના સ્તરે બંધ થયો અને તે જ સમયે, NSE નિફ્ટી ઘટાડા સાથે 24,273.80 ના સ્તર પર બંધ થયો. 

  • સેન્સેક્સ -411.97 (0.51%) પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
  • નિફ્ટી −140.60 (0.58%) પોઈન્ટના ઘટાડા સાથે બંધ 

રોકાણકારોને એલર્ટ કરાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને શેરબજારમાં રોકાણકારોને એલર્ટ કરાયા છે. BSE એ બજારના રોકાણકારોને સંભવિત "ઉચ્ચ અસર" સાયબર હુમલાઓ સામે સતર્ક રહેવાની સલાહ આપી છે. બીએસઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે બજારના રોકાણકારોએ કોઈપણ સંજોગોમાં સિસ્ટમની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ અને નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર મિસાઇલ હુમલા કર્યા છે.

ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સલાહ બાદ બજારના રોકાણકારોને સતર્ક કરતા આ આ નિર્દેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાયબર ધમકી અભિયાન ખાસ કરીને બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રોમાં કાર્યરત ભારતીય સંસ્થાઓને લક્ષ્ય બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે BSE અને NSE એ આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓ માટે તેમની વેબસાઇટ્સ બ્લોક કરીને સાવચેતીના પગલાં લીધાં છે. આ ઉપરાંત, કોઈપણ સાયબર ખતરાથી બચવા માટે બેંકોએ તેમની સાયબર સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવી છે.