સ્થાનિક શેરબજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજાર ફરી એકવાર લાલ નિશાનમાં બંધ થયું. આ સતત પાંચમું ટ્રેડિંગ સત્ર છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે.

શેરબજારમાં કડાકો

સોમવારે શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે. બપોરે 3.30 કલાકે પણ શેરબજાર લાલ નિશાનમાં જ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 856 પોઇન્ટના ઘટાડા સાથે 74,456  અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 243 પોઇન્ટના ઘટાડા સાથે 22,548  અંક પર બંધ થયો હતો.  ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકીની અસરને પગલે આજે શેરબજારમાં કડાકો બોલાયો હતો. 

રોકાણકારોએ 5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

સોમવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડાને કારણે રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. સોમવારે BSE પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 397,81,410 કરોડ થયું. જ્યારે શુક્રવારે તે 402,95,043  કરોડ રૂપિયા હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 5,13,633 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.


સોમવારે શેરબજારમાં ઘટાડાનું કારણ?

1. આજે રોકાણકારોને સૌથી વધુ ચિંતા યુએસ અર્થતંત્રના ધીમા વિકાસ દરના ભય અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણની ચિંતાએ કરી.

2. HCL ટેક, TCS, ઇન્ફોસિસ જેવા શેરોમાં ઘટાડાને કારણે, જેમના ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ છે, બજાર પર દબાણ વધ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો રહ્યો.

3. સોમવારે બજારોમાં ઘટાડાનું બીજું કારણ રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અંગેની ચિંતા હતી. યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ થયા પછી રશિયાએ રવિવારે તેનો સૌથી મોટો સિંગલ ડ્રોન હુમલો કર્યો. બંને દેશો વચ્ચે યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ થયું હતું.